વકીલોએ કોર્ટથી પગપાળા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું

(પ્રતિનિધિ) વડોદરા તા 15
ઉત્તરાખંડ બાદ દેશમાં હવે ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) બીલ લાગું કરવાની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને તે બીલ લાગું કરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે વડોદરાના વકીલો વચ્ચે પણ આ યુનિફોર્મ સિવિલ કોડ ને લાગુ કરવા અને લાગુ ન કરવાના સમર્થનમાં બે ભાગ જાણે પડી ગયા છે ત્યારે મંગળવારે કેટલાક વકીલોએ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ન લાગું કરવામાં આવે તે માટે કોર્ટથી પગપાળા રેલી યોજી વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
દેશના બંધારણના ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકર દ્વારા 29 નવેમ્બર,1948 માં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને સ્વૈચ્છિક તરીકે ગણાવ્યું હતું. નવેમ્બર -2019 તથા માર્ચ -2020મા સંસદમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે નામંજૂર થતાં પરત લેવાયું હતું. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે સમાન નાગરિક સંહિતા જેમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલ્કતના અધિકારો,દતક તથા વારસાઇ બાબતોમાં સમાન હક્ક આપતો કાયદો છે દેશમાં ઉતરાખંડમાં આ કાયદો લાગુ થયો છે જેથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ હવે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગું કરવાની જાહેરાત સાથે તૈયારી કરી છે ત્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે જ્યારે કેટલાક સમર્થનમાં છે ત્યારે વડોદરાના વકીલોમાં પણ આ બાબતે કેટલાક વકીલોએ તરફેણ તથા કેટલાક વિરોધ કરી રહ્યાં છે ત્યારે મંગળવારે વડોદરાના કેટલાક વકીલોએ કોર્ટથી પગપાળા રેલી કાઢી વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી ગુજરાતમાં આ UCC ના બિલનો વિરોધ કરી આ બિલ લાગું કરવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી જેમાં એડવોકેટ અશફાક મલિકે જણાવ્યું હતું કે,જો યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થવાથી ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ છે તેથી ગુજરાતમાં વકીલોએ પણ વિરોધ કર્યો છે અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વકીલો વિરોધ દર્શાવશે. બીજી તરફ બુધવારે વકીલોએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ના સમર્થનમાં સહીં ઝૂંબેશ નો કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે.
