રાજસ્થાનમાં પણ ત્રણ ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી.
વડોદરા: ગુજરાતના 29 જિલ્લાઓમાં મેઘરાજાના ભારે મંડાણ થતા જનજીવનને સીધી અસર પહોંચી છે. ઘેર ઠેર નેશનલ હાઇવે સહિતના માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની સતર્ક ટીમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રવાના થઈ ચૂકી છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે પહેલા જ વરસાદના ધમાકેદાર આગમનને કારણે સેકડો ડેમ, નદી, નાળા અને તળાવો છલકાઈ ગયા છે. સતત બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદથી ચોમાસાના પ્રારંભે જ વિકટ સ્થિતિ જોવા મળી રહી છે, ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ 134 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં 10 સ્ટેટ હાઈવે અને 28 અન્ય માર્ગો અને પંચાયતના 95 માર્ગો વાહન વ્યવહાર માટે અસ્તવ્યસ્ત બન્યા હતા,તો ભાવનગરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 1 પણ બંધ કરવામાં આવ્યો . પુર અને હોનારત જેવી વિકટ પરિસ્થિતિમાં સરકારના તંત્ર એ નાગરિકોની બચાવ કામગીરી માટે સંપૂર્ણ સજ્જ થઈ ચૂક્યું છે. NDRF ની જાંબાજ ટીમો ને તૈયાર રાખવામાં આવી હતી તે માંથી 12 ટીમો ને 11 જિલ્લામાં રવાના કરવામાં આવી હતી.જેમાં સુરત,અમદાવાદ, કચ્છ,જુનાગઢ,ભાવનગર,પાટણ, વલસાડ, પોરબંદર, અમરેલી અને દેવ ભુમિ દ્વારકામાં એકએક ટીમ રવાના કરવામાં આવી છે જ્યારે રાજકોટમાં મેઘરાજાએ અતિ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પરિણામે લગભગ પુર જેવી ગંભીર પરિસ્થિતીને ધ્યાને લઈને NDRF ની બે ટીમોને રવાના કરવામાં આવી છે. મેઘરાજાએ રાજસ્થાનમાં પણ પાણી પાણી કરી નાખ્યું છે. કુદરત સામે બેવડા જુસ્સા થી ઝઝૂમી લેવા તત્પર ટીમોને કોટા,ઉદેપુરને ભરતપુરમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આવતા એક સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાના કારણે રાજ્ય સરકારે પુર્વ સતર્કતાના ભાગરૂપે નાગરિકોની સુરક્ષા ને સલામતી અર્થે તમામ પગલાં લઈ રહ્યા છે