શહેરોના વિકાસ પ્રોજેક્ટ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા
રાજ્યની તમામ મહાપાલિકાના હોદ્દેદારો સાથે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દોઢ કલાકની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ શહેરોના વિકાસ કાર્યોમાં ગતિ લાવવાની તાકીદ કરી હતી અને લોકોને સીધો ફાયદો થાય એવા પ્રોજેક્ટોને પ્રાથમિકતા આપવાની સલાહ આપી હતી. આ બેઠકમાં વડોદરા મહાનગર પાલિકા સહિત રાજ્યની અન્ય મહાનગર પાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. વડોદરાથી મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શિતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં પૂર્ણ થયેલા અને બાકી રહેલા પ્રોજેક્ટોની વિગતવાર જાણકારી માગી હતી. શહેરોના ભવિષ્યના વિકાસ માટે કેટલા નવા પ્રોજેક્ટ જરૂરી છે અને તેમને કેવી રીતે ઝડપી મંજૂરી આપી શકાય તે અંગે ચર્ચા થઈ હતી. રોડ, પાણી, ટ્રાફિક વ્યવસ્થાપન, સ્વચ્છતા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન અપાયું હતું. મુખ્યમંત્રીએ તમામ હોદ્દેદારોને અનુરોધ કર્યો કે, જે કામોથી સામાન્ય નાગરિકોને સીધો લાભ મળે, તેવા પ્રોજેક્ટોને પ્રાથમિકતા આપવામાં આવે.
CMની બેઠક પૂર્વે શહેરના કામો પર મેયરની અચાનક ચિંતા!
CM ની બેઠક પૂર્વે મેયરે અચાનક પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી, જેનાથી નગરજનોમાં નવાઈ અને ચર્ચાઓ ઉઠી છે. દોઢ વર્ષથી
એકપણ આવી બેઠક ન યોજાનાર મેયરે અચાનક બેઠક બોલાવી પડી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમની પાસેથી શહેરના કામોની માહિતી મેયરે મેળવી હતી. જો સતત શહેરના કામોનું નિરીક્ષણ મેયરે કર્યું હોત તો આ પ્રકારે તાત્કાલિક બેઠક ન બોલાવી પડત એવી ચર્ચાઓ કોર્પોરેશનમાં થઈ રહી છે.
