“Geeta is the ONLY book for Modern Age”
NDDB ખાતે ‘Teachings of Geeta for a Beautiful Life’ વિષય પર પ્રેરણાદાયી પ્રવચન
આણંદ: એનડીડીબી (National Dairy Development Board) ના પ્રાંગણમાં NDDBના સંશોધકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં સ્વાધ્યાય પરિવારના પ્રેરણાસ્તોત્ર અને માર્ગદર્શક પૂજનીય દીદીજી (શ્રીમતી જયશ્રી તલવલકર) નું
“Teachings of Geeta for a Beautiful Life” વિષય પર ભાવસભર અને વિચારપ્રેરક પ્રવચન યોજાયું હતું.
આ પ્રસંગે NDDBના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. મિનેશભાઈ શાહ દ્વારા પૂજનીય દીદીજીને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
“NDDB આવવું એટલે મારી યાદોની યાત્રા”
પ્રવચનની શરૂઆતમાં દીદીજીએ પોતાની જૂની સ્મૃતિઓને વાગોળતા જણાવ્યું કે,
> “અહીં આવવું મારા માટે Down the Memory Lane જેવું છે. લગભગ ૩૦ વર્ષ પહેલાં પરમ પૂજનીય દાદાજી સાથે દીક્ષાંત સમારોહ માટે હું અહીં આવી હતી. દાદાજી જ્યાં ગયા હોય, ત્યાં જવું મારા માટે તીર્થયાત્રા સમાન છે.”
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,
> “હું અહીં ઉપદેશ આપવા નહીં, પરંતુ સંવાદ કરવા આવી છું.”
સુંદર જીવન માટે મન અને બુદ્ધિની સુંદરતા જરૂરી
વિષય પર પ્રકાશ પાડતા દીદીજીએ જણાવ્યું કે ગીતાના અનુસાર સુંદર જીવન માટે મન અને બુદ્ધિ બંને સુંદર હોવા જરૂરી છે.
મન–બુદ્ધિની સાચી સુંદરતા એ છે કે
બીજાના સુખમાં સુખી થવું
બીજાના દુઃખમાં દુઃખી થવું
મૈત્રીના ચાર પ્રકાર
દીદીજીએ સમાજમાં રહેલી મૈત્રીના ચાર પ્રકાર સમજાવતા કહ્યું:
1. લાભાર્થ મૈત્રી – સ્વાર્થ આધારિત
2. મનોરંજનાર્થ મૈત્રી – તટસ્થ
3. સિદ્ધાંત માટેની મૈત્રી – રૂક્ષતા ધરાવતી
4. ભક્તિ માટેની મૈત્રી – શાશ્વત અને જન્માંતર સુધી ટકતી
> “જ્યારે સમજાય છે કે મારું અને બીજાનું લોહી બનાવનાર એક જ છે, ત્યારે એ મૈત્રી લાંબા સમય સુધી ટકે છે.”
“ગીતા કહે છે – કર્યા વગર કંઈ મળતું નથી”
આજના સમાજની માનસિકતા પર ટિપ્પણી કરતાં દીદીજીએ જણાવ્યું કે,
> “આજે લોકો માને છે કે કઈ કર્યા વગર બધું મળી જવું એ જ હોશિયારી છે. પરંતુ ગીતા સ્પષ્ટ કહે છે – કર્યા વગર કંઈ મળતું નથી.”
ગુજરાતી કહેવત ઉલ્લેખતાં તેમણે કહ્યું,
> “મફતનો મૂળો કેળાં જેવો લાગે.”
પરંતુ ગીતા તો સ્પષ્ટ કહે છે –
> “મફતનું લઈશ નહીં.”
આજે ઘણા લોકો કહે છે કે “મેં ઘણું કર્યું, પણ વ્યર્થ ગયું”, ત્યારે ગીતા આશ્વાસન આપે છે –
> “કરેલું ક્યારેય ફોગટ જતું નથી.”
ગીતા ઉપદેશ નથી, સંવાદ છે
દીદીજીએ ભારપૂર્વક જણાવ્યું કે,
> “ગીતા ઉપદેશ નથી, તે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. અર્જુને પ્રશ્ન પૂછ્યો એટલે ઉત્તર મળ્યો. જેને પ્રશ્ન છે, તેનું ઉત્તર ચોક્કસ ગીતામાં છે.”
ગીતા એક માં છે —
> “માં પાસે પૂછવા જવું પડે. માં પર વિશ્વાસ, પ્રેમ અને આસ્થા હોય તો માં માત્ર માથે હાથ ફેરવીને કહે ‘સૂઈ જા, બધું સારું થઈ જશે’, તો બાળક તરત સૂઈ જાય.”
“God does not work for you, He works with you”
દીદીજીએ કહ્યું કે માણસે પોતે અને ભગવાન પર વિશ્વાસ રાખવો જરૂરી છે.
> “God does not work for you, He works with you.”
ભગવાન તારી માટે નહીં, તારી સાથે કામ કરે છે.
કામ કરતો જા, હાંક મારતો જા — મદદ હંમેશા તૈયાર છે.
ગીતા સમગ્ર માનવજાત માટે
દીદીજીએ અંતમાં જણાવ્યું કે,ગીતા ફક્ત ભારત માટે નથીતે સમગ્ર વિશ્વ માટે છે. ગીતા કહેવાઈ ત્યારે કોઈ ધર્મો અસ્તિત્વમાં ન હતા>
“ગીતા માનવમાત્ર માટે છે.”
સમાપન સમયે તેમણે શ્રોતાગણને સંદેશ આપ્યો કે,
> “જો ગીતામાં રસ જાગ્યો હોય, તો એવું ન માનતા કે તમે જુનવાણી બની જશો. કારણ કે —
‘Geeta is the ONLY book for Modern Age.’”