Vadodara

ગાયે ભેટી મારતા ચાલતા જતા યુવકને ઇજા, એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..

રખડતાં પશુઓ પર પાલિકાનો જાણે કોઇ અંકુશ રહ્યો નથી, શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત

(પ્રતિનિધિ) વડોદરા તા. 22

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદજકાતનાકા વિસ્તારમાં રહેતો યુવક ચાલતા જતો હતો તે દરમિયાન ગાયે અચાનક હૂમલો કરતાં ઇજાગ્રસ્ત યુવકને એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

વડોદરા શહેરમાં રખડતાં પશુઓ સંદર્ભે પાલિકા તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. રાજ્ય સરકારના કેટલ પોલીસીના અમલ બાબતે પણ પાલિકા તંત્ર સાવ નિષ્ફળ ગયું હોય તેમ જણાય છે. શહેરની વેરો તથા એડવાન્સ રોડ ટેક્ષ ભરતી જનતાને રખડતાં પશુ મુક્ત તથા સારા રોડરસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ છે. શહેરમાં આગામી તા. 28મી ઓક્ટોબરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના વડાપ્રધાનના આગમનની પાલિકા તંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વડાપ્રધાનના રૂટપર રોડ વચ્ચે આવેલા ડિવાઇડર થી કોઇ રખડતાં પશુઓ રોડ ન ઓળંગે અથવાતો રોડપર રખડતાં પશુઓ ન આવી જાય તે માટે જાળી લગાવવામાં આવી છે જ્યારે બીજી તરફ રખડતાં પશુઓનો ભોગ નિર્દોષ શહેરીજનો બની રહ્યાં છે. ગતરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદજકાતનાકા ખાતે રહેતા સચિનભાઇ નારાયણભાઇ દેવરે નામના 37 વર્ષીય યુવક રાત્રે 10:35 કલાકની આસપાસ ચાલતા બાપોદગામ બાજુ જતાં હતાં તે દરમિયાન અચાનક ગાયે હૂમલો કરતાં સચિનભાઇ ને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી આસપાસના લોકોએ તેઓને ઇમરજન્સી 108 મારફતે એસ.એસ.જૅ.હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં સચિનભાઇ ભાનમાં હોવાનું જાણવા મળ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરમાં રખડતાં પશુઓને કારણે કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંના કેટલાક કાયમી ખોડખાંપણ નો શિકાર બન્યા છે જેઓના ઘરમાં અર્થોપાર્જન કરનાર મુખ્ય વ્યક્તિ સાથે આવી દૂર્ઘટના બને ત્યારે આ તકલીફનો ભોગ આખા પરિવારે વેઠવાનો વારો આવે છે. વડોદરા મહાનગરપાલિકા ફક્ત રખડતાં પશુઓને ટેગિંગ કરી ચિપ લગાવી સંતોષ માની રહી છે પરંતુ હકીકત એ છે કે, રખડતાં પશુઓ પર પાલિકા તંત્ર નો અંકુશ નથી.

Most Popular

To Top