Vadodara

ગામજનોના વિરોધ બાદ આજવા-પ્રતાપપુરા તળાવ ખોદકામમાં ડમ્પરો માટે નવો માર્ગ નક્કી કરાયો


વડોદરામાં વિશ્વામિત્રી નદી અને આજવા-પ્રતાપપુરા તળાવની જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે મહત્ત્વાકાંક્ષી કામગીરી ચાલી રહી છે. છેલ્લા એક સપ્તાહથી આ પ્રોજેક્ટ અંતર્ગત નદી અને તળાવના તળિયેથી સિલ્ટ અને માટી દૂર કરવાનો પ્રક્રિયા થઈ રહી છે, જેનાથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધશે અને વરસાદી સિઝનમાં પાણી સંગ્રહ કરવામાં સહાય મળશે. ગઈકાલે સાંજે રાજપુરા ગામના કેટલાક રહેવાસીઓએ આ કામનો વિરોધ કર્યો. તેમનું કહેવું છે કે ખોદકામ માટે નીકળતી માટી અને સિલ્ટ લઈ જતાં ડમ્પરો તેમના ગામના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થાય છે. જેના કારણે માર્ગ પર ભારે ધૂળ ઉડે છે અને તેમને દૈનિક અવરજવર માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સ્થાનિક રહેવાસીઓની ફરિયાદો પગલે સાંજે પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસ અને ગામજનો વચ્ચે ચર્ચા થઈ, જે બાદમાં તાત્કાલિક અસરથી ખોદકામનું કામ થોડીક વાર માટે રોકી દેવાયું. ગામજનોના આક્ષેપ અને ફરિયાદો પાલિકા સુધી પહોંચી, જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વચ્ચે ચર્ચા થઈ. ગામજનોના વિરોધને ધ્યાનમાં રાખીને આજે સવારે પાલિકા અને પોલીસના સંકલન બાદ ડમ્પરો માટે નવો માર્ગ પસંદ કરવામાં આવ્યો. આ નવી વ્યવસ્થા હેઠળ, ડમ્પરો હવે ગામના મુખ્ય રસ્તા પરથી નહીં, પરંતુ અન્ય વિકલ્પરૂપ માર્ગથી પસાર થશે, જેથી ગામજનોને નુકસાન ન થાય. આ નક્કર પગલાં લીધા પછી કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, અને પ્રોજેક્ટની કામગીરી રાબેતા મુજબ આગળ વધવા લાગી છે.

Most Popular

To Top