વડોદરા મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટરોની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં
વડોદરા મહાનગર પાલિકાના કમિશનર દ્વારા તાજેતરમાં કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપ્યા બાદ પણ મેદાન પર જવાબદારીનો અભાવ જોવા મળ્યો
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં મ્યુ કમિશ્નર ઇજારદારો સાથે શહેરના રોડ રસ્તા બાબતે રીવ્યુ બેઠક લઈ રહ્યા હતા તે જ સમયે શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ચોમાસાની મોસમમાં પાણી ભરાયેલી જગ્યાએ કોન્ટ્રાક્ટરે ડામર નાખીને ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ સ્થળ પર પાલિકા તરફથી કોઈ સુપરવાઈઝર કે અધિકારી હાજર ન હોવાથી મજૂરોએ નબળી ગુણવત્તાનું કામ કર્યું હતું. સ્થાનિકોએ આ કામગીરી સામે તાત્કાલિક યોગ્ય પગલાંની માંગ કરી છે, કારણ કે આવા કામથી રોડનું આયુષ્ય ઘટે છે અને જાહેર નાણાનો વેડફાટ થાય છે.

વડોદરા મહાનગર પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ તાજેતરમાં કોન્ટ્રાક્ટરો સામે કડક વલણ અપનાવ્યું છે, પેમેન્ટ અટકાવ્યા છે અને કામગીરીમાં ગુણવત્તા લાવવા માટે ચોખ્ખી સૂચના આપી છે. તેમ છતાં, ગાજરાવાડી જેવા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરોની મનમાની અને અધિકારીઓની ગેરહાજરીથી નાગરિકોની સમસ્યાઓ યથાવત છે.
આ ઘટના વડોદરા મહાનગર પાલિકાની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા કરે છે—જ્યારે કમિશનર કડક વલણ અપનાવે છે ત્યારે પણ મેદાન પર કોન્ટ્રાક્ટરો પોતાની રીતે કામ કરે છે, જે સ્પષ્ટપણે તંત્રની દેખરેખ અને જવાબદારીના અભાવે દર્શાવે છે. સ્થાનિકો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે, આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.