Vadodara

ગાજરાવાડીમાં પાણીની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટતા 3 હજાર ઘરોમાં સવારની રસોઈ અટકી

ઇજારદાર શ્રી હરિ કન્સ્ટ્રક્શનની બેદરકારીથી ચાર દરવાજા વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયો

વડોદરા ગેસ વિભાગ ઇજારદારને બેદરકારી બદલ 4.50 લાખનો દંડ ફટકારાશે

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં શનિવારે સવારે પાણીની લાઈન નાખવાના કામ દરમ્યાન મોટી બેદરકારી સામે આવી છે. ગાજરાવાડી પાણીની ટાંકી પાસે પાલિકાના ઇજારદાર દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. તે સમયે ખોદકામ દરમ્યાન મુખ્ય ગેસ લાઇન તૂટી જતા આખા ચાર દરવાજા વિસ્તારનો ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, ગાજરાવાડી વિસ્તારથી ચાર દરવાજા વિસ્તાર સુધી જતી મુખ્ય 225 એમએમની ગેસ લાઇન ખોદકામ દરમ્યાન ક્ષતિગ્રસ્ત થઈ હતી. લાઇન તૂટતાં જ ગેસના ફુવારા ઉડતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક વડોદરા ગેસ વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરી સમારકામ શરૂ કર્યું હતું. વડોદરા ગેસ વિભાગના જણાવ્યા મુજબ, બપોરે અંદાજે 12:45 થી અઢી વાગ્યા સુધી ગેસ પુરવઠો આંશિક ખોરવાયેલો હતો. આ દરમિયાન ચાર દરવાજા વિસ્તારના અંદાજે 2500 થી 3000 જેટલા ઘરોમાં ગેસ ન મળતા નાગરિકોને સવારના સમયે રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી હતી.

વડોદરા મહાનગરપાલિકા અને ગેસ વિભાગ બંને દ્વારા ઘટનાની નોંધ લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઇજારદાર શ્રી હરિ કન્સ્ટ્રક્શન દ્વારા ખોદકામ પહેલાં ગેસ લાઇન અંગે જરૂરી માહિતી મેળવવામાં બેદરકારી રાખવામાં આવી હતી. આ બેદરકારીના કારણે હજારો લોકોને અગવડનો સામનો કરવો પડ્યો હતો. વડોદરા ગેસ વિભાગ દ્વારા ઇજારદાર શ્રી હરિ કન્સ્ટ્રક્શન સામે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને નિયમ મુજબ અંદાજિત 4.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગેસ વિભાગે પણ લાઇનની મરામત પૂર્ણ કરીને પુરવઠો પૂર્વવત્ કર્યો છે.

Most Popular

To Top