Vadodara

ગાજરાવાડીથી ડભોઈ રોડ પર કોર્પોરેશનની ‘વેઠ’

પાઇપલાઇન બાદ કાર્પેટિંગ ન થતાં વાહનચાલકો પરેશાન

CNG સ્ટેશન પર કતાર અને ખરાબ રોડને કારણે અડધો રસ્તો બંધ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોવાથી ટ્રાફિક જામથી પ્રજા ત્રાહિમામ; સત્તાધીશોની બેદરકારી સામે ભારે રોષ: વરસાદે સ્થિતિ વધુ વકરાવી

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરાયા બાદ સપાટી પર કરવામાં આવેલી વેઠના કારણે ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને ડભોઈ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દિવાળી પૂર્વે હાથ ધરાયેલી આ કામગીરી બાદ રોડનું યોગ્ય કાર્પેટિંગ ન થતાં અડધો રોડ બિનઉપયોગી બની ગયો છે, જેનાથી ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્પોરેશન દ્વારા ગાજરાવાડીથી ડભોઈ રોડ સુધી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, પાઇપલાઇન નાખ્યા બાદ ખાડા પૂરવાની કામગીરીમાં મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા ઉતારવામાં આવેલી વેઠ સ્પષ્ટ દેખાઈ રહી છે. ખાડા યોગ્ય રીતે પૂરવામાં ન આવતાં અને કાર્પેટિંગની તસ્દી ન લેવાતાં રસ્તાની એક બાજુ સંપૂર્ણપણે નકામી થઈ ગઈ છે. રસ્તા પર મોટા ખાડા અને માટીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ રોડની સ્થિતિ એટલા માટે પણ ગંભીર છે કારણ કે તેની એક તરફ ગાજરાવાડી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે, જ્યાં રોજબરોજ સેંકડોની સંખ્યામાં ઉદ્યોગ સાથે જોડાયેલા વાહનોની અવરજવર રહે છે. જ્યારે રોડની બીજી બાજુ પર CNG સ્ટેશન આવેલું છે. ગેસ ભરાવવા આવતા વાહનોની લાંબી કતાર નિયમિતપણે રસ્તા પર જામતી હોય છે.
​કોર્પોરેશનના બિનઉપયોગી કામને કારણે જ્યારે અડધો રોડ બંધ થઈ ગયો છે, ત્યારે આ સીએનજી સ્ટેશનની કતારને કારણે અવરજવર માટે માંડ એક જ લેન ખુલ્લો રહે છે. પરિણામે સવાર-સાંજ પીક અવર્સ દરમિયાન ભયંકર ટ્રાફિક જામ સર્જાય છે. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સંચાલકો અને અહીંથી પસાર થતા મુસાફરોનો કિંમતી સમય આ ટ્રાફિકમાં બરબાદ થઈ રહ્યો છે અને ભારે પરેશાની અનુભવી રહ્યા છે.
છેલ્લા બે દિવસોમાં પડેલા વરસાદને કારણે આ “કાર્પેટિંગ વિનાના” રસ્તાની સ્થિતિ વધુ વકરી છે. પાઇપલાઇન નાખ્યાં બાદ પૂરેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં તે જીવલેણ બની ગયા છે. કાદવ-કીચડ અને ઉબડ-ખાબડ રસ્તા પર વાહન ચલાવવું જોખમી બન્યું છે, જેને કારણે અકસ્માત થવાનો ભય પણ વધી ગયો છે.
​કોર્પોરેશનના સંબંધિત વિભાગની આ બેદરકારી સામે સ્થાનિક લોકો, ઉદ્યોગકારો અને વાહનચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સ્થાનિકોની માંગ છે કે કોર્પોરેશન દિવાળી પહેલા કરેલી આ ઉતારેલી વેઠની કામગીરી સુધારે અને તાત્કાલિક ધોરણે રોડનું યોગ્ય અને ગુણવત્તાયુક્ત કાર્પેટિંગ કરાવે, જેથી નાગરિકોને આ હાલાકીમાંથી મુક્તિ મળી શકે.

Most Popular

To Top