Vadodara

ગાંધી જયંતિએ ખાદીનો દબદબો

ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓએ સામૂહિક ખરીદી કરીને સ્વદેશીને આપ્યું પ્રોત્સાહન

​કોઠી પાસે આવેલા ખાદી ગ્રામોદ્યોગ ખાતે સવારથી જ ઉમટ્યા ભાજપના દિગ્ગજ નેતાઓ, યુવાનોમાં પણ વધ્યો ખાદીનો ક્રેઝ

​શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, મુખ્ય દંડક બાળ શુક્લ, સાંસદ ડો, હેમાંગ જોશી સહિતના પદાધિકારીઓએ વિવિધ વસ્ત્રોની કરી ખરીદી

​વડોદરામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતી (૨જી ઓક્ટોબર) નિમિત્તે ખાદી ગ્રામોદ્યોગ ખાતે ખરીદીનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીજીને પ્રિય ખાદીના પ્રચાર અને પ્રસારના ઉદ્દેશ્ય સાથે શહેરના ભાજપના અગ્રણી નેતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકોએ પરંપરાગત વસ્ત્રો, કાપડ અને અન્ય ખાદીની ચીજ-વસ્તુઓની ખરીદી કરી હતી.
​વડોદરામાં રાવપુરા રોડ પર કોઠી કચેરી નજીક આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભંડાર ખાતે વહેલી સવારથી જ ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. આ ખરીદીમાં શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, વિધાનસભાના મુખ્ય દંડક બાળ શુક્લ, સાંસદ ડો. હેમાંગ જોશી, ધારાસભ્યો, પાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને હોદ્દેદારો સહિત ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
​ખાદી પ્રિય શહેરીજનો અને ભાજપના નેતાઓએ વિવિધ જાતની ખાદીનું કાપડ તેમજ તૈયાર ખાદીના વસ્ત્રો ઉત્સાહભેર ખરીદ્યા હતા. મહાત્મા ગાંધીના સિદ્ધાંતો સાથે જોડાયેલી ખાદીને અપનાવવાના આ અભિયાનમાં માત્ર વડીલો જ નહીં, પણ યુવાનોમાં પણ ખાદીના વસ્ત્રો પહેરવાનું ચલણ વધ્યું હોવાનું દ્રશ્યમાન થયું હતું.
​ગાંધી જયંતીના પાવન અવસરે આ રીતે સામૂહિક ખરીદી કરીને ભાજપના અગ્રણીઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે, સ્વદેશી અને ગ્રામોદ્યોગના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

Most Popular

To Top