Charotar

ગળતેશ્વરની મહી નદીમાં ડૂબતા ત્રણના મોત

મજા મોત સુધી લઈ ગઈ : ગળતેશ્વરની મહિસાગર નદીમાં 9 મિત્રો પિકનિક માટે ગયા અને 3 નદીમાં ડૂબતા મોત,
ડૂબેલા બે વ્યક્તિઓની ઓળખ થઈ, એકની બાકી

(પ્રતિનિધિ) નડિયાદ, તા.3
ખેડા જિલ્લાના ગળતેશ્વર નજીકની મહિસાગર નદી પાસે ગતરોજ રવિવારે અમદાવાદથી મિત્રો સાથે આવેલા 9 લોકો પૈકી કેટલાક મિત્રો ગળતેશ્વર નદીના પાણી નાહવા ઉતરતા ડૂબ્યા હોવાની ઘટના બની છે. જે પૈકી એકનો મૃતદેહ રવિવારે તો અન્ય બે ના મૃતદેહ આજે મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદમાં રહેતા 9 જેટલા મિત્રોનું ગ્રુપ રવિવારે ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકમાં આવેલ હતું. આ દરમિયાન આ ગ્રુપના કેટલાક સભ્યો ગળતેશ્વર નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. જે પૈકી ગ્રૂપનો એક સભ્ય મહીસાગર નદીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી સાથી મિત્રોએ મદદ કરતા એક બાદ એક એમ કુલ ચાર મિત્રો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત એક ઇસમને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો હતો. ગતરોજ એક મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પાણીમાં લાપતા બનેલા અન્ય બે ના મૃતદેહો મળી આવ્યા હતા. જે ત્રણેય લોકોના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા છે. સેવાલીયા પોલીસે બનાવ સ્થળે દોડી આવી તમામ મૃતકોના મૃતદેહને પીએમ અર્થે રવાના કર્યા છે. પોલીસે કિરીટ ચાવડા (રહે.સુખીની મુવાડી, ગળતેશ્વર)ની જાણના આધારે અપમૃત્યુની નોધ કરી છે. પોલીસ તપાસમાં ગતરોજ જે મૃતકનો મૃતદેહ મળી આવેલો તેની ઓળખ થઈ નહોતી. જ્યારે લાપતા બનેલા અન્ય બે લોકોના મૃતદેહ આજે મળી આવતાં પોલીસે ઓળખ પરેડ કરતા મરણજનાર હિતેશભાઈ મહેશભાઈ ચાવડા (ઉ.વ.39, રહે.ખોખરા, અમદાવાદ) અને અન્ય સુનિલ કુશવાહ (રહે.વટવા, અમદાવાદ)નો માલૂમ પડ્યો છે. જ્યારે ત્રીજા મૃતદેહની ઓળખ હજુ બાકી છે. આ તમામ મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને લવાયા છે.

Most Popular

To Top