Charotar

ગળતેશ્વરના 10 વર્ષિય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરમથી મોત


3 હોસ્પિટલો બદલી નાખવા છતાં આરોગ્યમાં સુધારો ન થયો, પરીવારમાં ગમગીની.

ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામનું 10 વર્ષિય બાળક છેલ્લા કેટલાય દિવસથી ચાંદીપુરમ નામની ઘાતક બિમારીમાં સપડાયુ હતુ. આ બાળકની સંપૂર્ણ સારવાર મળી હોવા છતાં તેણે જીવ ગુમાવ્યો છે. બાળકનો જીવ બચાવવા માટે અન્ય મોટી હોસ્પિટલોમાં પણ ખસેડવામાં આવ્યુ હતુ. પરંતુ આજે તેણે દમ તોડ્યો હતો. જેના કારણે પરીવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
રાજ્યભરમાં ચાંદીપુરમ નામના જીવલેણ વાયરસે કોહરામ મચાવ્યો છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી 6 જેટલા બાળકો આ વાયરસમાં સપડાયા છે અને તેમાંથી અગાઉ મહેમદાવાદના એક બાળકે જીવ ગુમાવ્યો હતો અને હવે ગળતેશ્વરના 10 વર્ષિય પ્રતિકે પણ આજે મોતને ભેટ્યો છે. બાળક જીવલેણ બિમારીમાં સપડાતા આરોગ્ય વિભાગ દ્વારા તેની સારવાર અને તપાસ શરૂ કરવામાં આવી હતી. દિવસભરની સારવાર બાદ પણ આ બાળકને કોઈ આરોગ્ય સુધારો થયો ન હતો. જેથી તેને ગોધરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો.. ત્યાં પણ તેની તબિયતમાં સુધારો ન થતાં બરોડા એસ.એસ.જી. ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવાર માટે 3 યુનિટ લોહીની જરૂર પડી હતી અને આ કેસ માટે અંઘાડી પી.એચ.સી.ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર હિરેન શર્માએ તેની માટે 3 યુનિટ લોહીની વ્યવસ્થા કરી અને દિવસભર આ કેસની સેવામાં રહેવા છતાં આ બાળકે 5 દિવસથી શંકાસ્પદ ચાંદીપુરમ સામે ઝઝૂમતા આજે આખરે દમ તોડયો હતો. જેને કારણે પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. ગળતેશ્વર તાલુકામાં આરોગ્ય વિભાગના એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં ત્યાં માત્ર નજીવી સેવાઓ જ ઉપ્લબ્ધ છે. પરીણામે બાળકને પોતાની જિંદગી બચાવવા પરિવારને ખેડા જિલ્લા સિવાય અન્ય બે જિલ્લા પંચમહાલ અને વડોદરા ખાતે ખસેડવાની ફરજ પડી હતી. જેના કારણે બાળકને વાયરસની પીડા સાથે મુસાફરીની વેદના વેઠવાની નોબત આવી હતી. આરોગ્ય પ્રશાસન અને જિલ્લા પ્રશાસનની આ નબળી વ્યવસ્થા સામે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.


આર. એસ. પટેલને અનેક ચાર્જની લ્હાણી..
આરોગ્ય વિભાગની બીજી લાપરવાહી એવી સામે આવી છે કે, એક જ વ્યક્તિના માથે કામનું ભારણ નાખી દેવાયુ છે. ડૉ. આર. એસ. પટેલ ઠાસરા અને ગળતેશ્વરના તાલુકા હેલ્થ ઓફીસરનો ચાર્જ સંભાળતા હોવા ઉપરાંત ઠાસરા સી.એચ.સી.માં પણ ફરજ બજાવી રહ્યા છે. આ સિવાય પણ અન્યત્ર તેમના ચાર્જ હોવાની ચર્ચા છે. એક જ વ્યક્તિના માથે તમામ કામનું ભારણ હોય, કામગીરીને યોગ્ય ન્યાય ન મળતો હોવાની પણ ચર્ચા છે. તો સાથે જ ગળતેશ્વર અને ઠાસરામાં આરોગ્ય વિભાગને લગતી અને મશીનરી આવી છે, પરંતુ તેનો ઉપયોગ હજુ શરૂ ન કરાયો હોવાથી દર્દીઓને ખાનગી સ્થળે રીપોર્ટ કરાવવા જવાની ફરજ પડી રહી છે. તો વળી, દવાના જથ્થા મામલે પણ અનેક પ્રકારના આક્ષેપ ઉઠી રહ્યા છે.

Most Popular

To Top