Charotar

ગળતેશ્વરના ડભાલીમાં પાણી માટે પોકાર: પાંચ હજાર ગ્રામજનો તરસ્યા

હર ઘર નલ, નલ સે જલ યોજનાનો ફિયાસ્કો : નળમાં પાણી આવતું જ નથી

સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ પાણીનો પોકાર ઉઠ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થતાં જ માણસો,પશુ પંખીઓ સહિત સમગ્ર જીવો ત્રસ્ત થતાં જોવા મળે છે. ગળતેશ્વર તાલુકામાં પીવાના પાણીની બૂમરાણો ઉઠવા લાગી છે. જેમાં પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ડભાલી ગામમાં મહિલાઓ પાણી માટે દૂર દૂર બેડા લઈને રઝળપાટ કરતી જોવા મળી રહી છે.

ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં ઉનાળાની બળબળતી ગરમીમાં લોકોને એક બેડું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવો પડતો હોવાની હાલત જોવા મળી રહી છે. હજુ તો ઉનાળાની શરૂઆત થતા જ ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં પાણીના પોકાર ઉઠયા છે. ડભાલી ગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. હર ઘર નલ દ્વારા દરેક ઘરોમાં નળ તો આવી ગયા છે.  પરંતુ નળમાં જળ તો શું જળનું ટીપુય નથી આવતુ. ત્યારે સરકારની નલ સે જલની ગેરંટીનો પણ ફિયાસ્કો જોવા મળી રહ્યો છે અને ગામની મહિલાઓ રઝળપાટ કરી પાણી લાવવા મજબુર બની છે. ડભાલીના ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામમાં છેલ્લા 3 વર્ષથી આ પાણીની સમસ્યા છે અને અનેક વખત પંચાયતમાં રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી અને ગ્રામ  પંચાયતના વહીવટદાર અને તલાટી પણ સમયસર આવતા ના હોવાનો ગણગણાટ વ્યાપ્યો છે.   ડભાલીની મહિલાઓ આકરા તાપમાં પાણી માટે વલખા મારવા મજબૂર બની છે પાણીની સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top