જોકે એસ.એસ.જી.હોસ્પિટલના ઇમરજન્સી બિલ્ડિંગમાં અલાયદા વોર્ડમાં હિટવેવના દર્દીઓ માટે 20 બેડ તૈયાર છે પરંતુ હાલમાં એક પણ દર્દી નોધાયો નથી : આર.એમ.ઓ.*
(પ્રતિનિધિ) વડોદરા તા. 26
સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલની ઓપીડી માં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા હિટવેવ કે પછી ગરમીના કારણે બિમાર દર્દીઓ માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ બુધવારે સાંજ સુધીમાં ગરમીના કારણે બિમાર દર્દી નોધાયો ન હતો.
છેલ્લા ચારેક દિવસથી શહેરમાં લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. બે દિવસ પહેલા સાવલીમાં લૂ લાગવાથી એકનું મોત નિપજ્યું હતું. હાલમા મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગરમીનો પારો 40 ડિગ્રી અને તેની આસપાસ જોવા મળી રહ્યો છે. ગરમી વધતાની સાથે જ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલની ઓપીડી માં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે . સામાન્ય રીતે હજાર થી બારસો લોકો ઓપીડીમા આવતા હોય છે, પરંતુ હાલમાં 5% જેટલા દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. ગરમીમાં લૂ લાગવાના, ઝાડા ઉલટી, ચક્કર આવવા તથા કમજોરીના કેસો આવતા હોય છે ત્યારે એસ.એસ.જી.હોસ્પિટલનુ તંત્ર તેના માટે સજ્જ છે. એસ.એસ.જી.હોસ્પિટલમા ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં 20 બેડ, ઓક્સિજન સહિતના સાધનો સાથે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ હજી સુધી હીટવેવના દર્દીઓ નોંધાયા નથી. ઓપીડી માં હાલમાં વાયરલ અને અલગ અલગ બિમારીના 1500 થી 1700 દર્દીઓ ઓપીડી માં નોધાયા છે જેમાં સામાન્ય ચક્કર આવવા કે ઊલટી થવી તેવા પચાસેક દર્દીઓ નોંધાયા છે.
ગરમીમાં લોકોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે
હાલમાં જે રીતે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એસ.એસ.જી.હોસ્પિટલ પ્રશાસન દ્વારા હિટવેવના દર્દીઓ માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે જો કે હજી સુધી એવો કોઈ કેસ દાખલ નથી થયા.લોકોએ કામ વિના તાપમાં બહાર નિકળવાથી બચવું જોઈએ, વધુમાં વધુ શુદ્ધ નોર્મલ પાણી પીવું જોઈએ બહારના બરફ કે બરફના ગોળાથી અન્ય બિમારીની શક્યતા હોય તેનાથી બચવું જોઈએ. બહાર નિકળવું પડે તો છત્રીનો ઉપયોગ કરવો,સૂતરાઉ અને ખુલતા કપડાં પહેરવા, તાવ કે ચક્કર આવે ઉલટી વધારે થાય તો તરતજ નજીકના હોસ્પિટલમાં તબીબી સારવાર અને સલાહ લેવી જોઈએ.બહાર કામ કરતા હોય તો શક્ય એટલું છાંયડામાં રહેવું જોઈએ.
-ડો. હિતેન્દ્ર ચૌહાણ -આર.એમ.ઓ. એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા
