ગોત્રીની સૂર્યોદય પાર્ક સોસાયટીના મકાનમાં ગીઝર અને વોશિંગ મશીન બળીને ખાક થયું :
વડીવાડી ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો : જાનહાનિ થતા ટળી
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
ગરમીની શરૂઆત થઈ રહી છે. એની સાથે સાથે હવે ઇલેક્ટ્રીક ઉપકરણો, વાહનો, મકાનોમાં આગ લાગવાનો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે, શહેરના ગોત્રી વિસ્તારમાં એક સોસાયટીના બંધ મકાનમાં આગનો બનાવ બન્યો હતો. ગીઝરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગની ઘટનામાં ગીઝર અને વોશિંગ મશીન બળીને ખાક થઈ ગયું હતું. સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ થતા ટળી હતી.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સૂર્યોદય પાર્ક સોસાયટીમાં વહેલી સવારે અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી. મકાનમાંથી ધુમાડા નીકળતા આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.વડોદરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં વડીવાડી ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

જોકે, આગના કારણે મકાનમાં રહેલું ગીઝર અને વોશિંગ મશીન બળીને ખાક થઈ ગયું હતું. સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ આગ બહાર લગાવેલા ગીઝરમાં લાગી હતી અને પાછી નીચે રહેલા વોશિંગ મશીનમાં પ્રસરતા આગ વધુ વિકરાળ બની હતી. જોકે, ટીમે ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લીધી હતી. સદનસીબે મકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, બંધ મકાનમાં ગીઝરમાં આગ કઈ રીતે લાગી તે પણ એક સવાલ છે. આ મામલે ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.