મોટા ભાગના ગરબા મેદાનોમાં કાદવ કિચ્ચડ યથાવત

( પ્રતિનિધી )વડોદરા,તા.29
ચાલી રહેલી નવરાત્રી દરમિયાન સાતમા નોરતે વરસાદી વિઘ્નના કારણે મોટા ભાગના ગરબાના આયોજનો રદ કરાયા હતા. ત્યારે હજી પણ ગરબા મેદાનોમાં કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ત્યારે એક ગરબા મેદાન પર આજે આયોજક પોતે જ ટ્રેકટર પર સવાર થઈ ગયા હતા અને ટ્રેકટર ફેરવી ગ્રાઉન્ડ સરભર કરવાની કામગીરીમાં જોડાયા હતા.

ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં ચાલી રહેલી નવરાત્રી દરમિયાન મેઘરાજા મહેરબાન થતા સાતમા નોરતે શહેરના નામાંકિત ગરબા સહિતના ગરબાના આયોજનો ગતરોજ મોકૂફ રખાયા હતા. સતત બીજા દિવસે પણ ગરબા મેદાનો પર વરસાદી પાણી અને કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય રહેતા આયોજકો દ્વિધામાં મૂકાયા છે. બીજી તરફ ખેલૈયાઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે. ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. ત્યારે, વીએનએફ ગરબા મહોત્સવના મુખ્ય આયોજક મયંક પટેલે પોતે ટ્રેક્ટર ચલાવી ગરબા ગ્રાઉન્ડ સમતળ કર્યું હતું. તાડપત્રી હટાવ્યા બાદ મયંક પટેલ પોતે આખા ગરબા ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર ફેરવી કામગીરીમાં જોડાયા હતા. ગતરોજ સતત વરસાદ વરસતા ગરબા રદ કરવામાં આવ્યા હતા. ત્યારે બીજા દિવસે મેદાનમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે માટે મેદાનને વ્યવસ્થિત કરવામાં આવી રહ્યું છે.જે માટે ગરબાના આયોજક પોતે ખેલૈયાઓની ચિંતા કરી કામગીરીમાં જોડાયા હતા. જોકે આજે પણ શહેર પર વાદળોની ફોજ જામી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ ગરબા થશે કે કેમ ? ખેલૈયાઓ ગરબા રમવા માટે ચિંતાતુર બન્યા છે.