Garbada

ગરબાડા બજારમાં પોલીસની રેડ: ચાર ઇસમો ચાઈનીઝ દોરી સાથે ઝડપાયા

ગરબાડા: ગરબાડા પોલીસે ઉત્તરાયણ પર્વ પહેલા ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરી છે. બજાર વિસ્તારમાં દરોડા પાડીને ચાર ઇસમોને ચાઈનીઝ દોરીના ૧૩ ફિરકા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દોરીની કિંમત આશરે ૫,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગરબાડા પોલીસ મથકના પીઆઈ એસ.એમ. રાદડિયા અને તેમના સ્ટાફે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન ગરબાડા બજારની જુદી જુદી જગ્યાઓ પરથી આ ચાર આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં કુશાગ્ર પરેશભાઈ ભાટીયા, આદિલનુર મોહમ્મદ લખારા, હેમંતગીરી કિશોરગીરી ગોસ્વામી અને દિલીપભાઈ મોહનલાલ ગેલોદનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ગરબાડા, તા. ગરબાડા, જી. દાહોદના રહેવાસી છે.

ગરબાડા પોલીસે ચાઈનીઝ દોરીના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ જીવલેણ દોરીના કારણે દર વર્ષે માનવજીવન અને પક્ષીઓને નુકસાન થાય છે. પોલીસે ચેતવણી આપી છે કે આવા ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં આવશે નહીં અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.

Most Popular

To Top