મનમરજીથી ફરજ બજાવતા તલાટી સામે ગ્રામજનોમાં રોષ
ગરબાડા : દાદુર, ભે અને પાટિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જયેશ રાઠોડ ઉપર ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી તલાટી કચેરી પર સમયસર હાજર ન રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે તલાટી ક્યારેક આવે તો મોડા આવે છે અને આવ્યા પછી પણ અડધો કલાકથી વધુ સમય રોકાતા નથી, જેના કારણે લોકોના કામો અટવાઈ રહ્યા છે. અરજદારો વારંવાર કચેરીના ચક્કર મારીને થાકી ગયા છે.
તલાટી કમ મંત્રી પોતાની મનમરજીથી હાજરી આપે છે અને આ બેદરકારીથી સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે. હાલ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગ કરી રહ્યા છે.
સાહેબ આવતા નહીં હોવાથી ધક્કા ખાવાનો વારો
હું છેલ્લા એક અઠવાડિયા થી મારા કામ માટે પંચાયત ઉપર આવું છું પરંતુ તલાટી સાહેબ આવતા ન હોવાથી મારે ધક્કા ખાવાનો વારો આવ્યો છે હજુ સુધી મારું કામ થતું નથી.
રાજુભાઈ ભુરીયા, ગ્રામજન પાટિયા