:સરકારી તાયફા માટે રાતોરાત લાખો કરોડો રૂપિયા તંત્ર પાસે છે પણ પુર પીડિતો માટે સરકાર પાસે આર્થિક સહાય નથી.
માંજલપુરમાં મોરચો કાઢીને પીડિતો એ મામલતદાર સમક્ષ સહાયની માંગ કરી
પ્રતિનિધિ. વડોદરા 24
ગત ચોમાસામાં શહેરના ઇતિહાસના સૌથી ભયાનક પુરના કારણે લગભગ આખું વડોદરા પાણીમા ગરકાવ થઇ ગયું હતું. નવા વિસ્તારોમા પણ પૂરના પાણીએ પારાવાર તારાજી સર્જી હતી. જે તે સમયે એક વાર નહીં ત્રણ વખત પુર આવ્યું હતું. ત્યારે માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર ૧૮મા રહીશોએ પોતાની લાખો રૂપિયાની ઘરવખરી અનાજ ઇલેક્ટીક ઉપકરણો સહિત જંગી નુક્સાન વેઠવું પડયું હતું. જે તે સમયે લોકોનો આક્રોશ પારખીને તંત્રે આર્થિક સહાયના બણગા ફૂંક્યા હતા, પરંતુ એક વર્ષ બાદ પણ હજુ સુધી આર્થિક સહાય ચૂક્વવામાં આવી નથી.
આજે માંજલપુર સ્થિત મામલતદાર કચેરીએ કેટલાક સ્થાનિક રહીશો આવી પહોંચ્યા હતા અને તેઓએ નુક્સાનીની બાકી વળતરની રકમ તાત્કાલિક ચુક્વવાની માંગ કરી હતી. આ સમયે શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ રજૂઆત કરી હતી. કે જેવું પૂર ગયા વર્ષે આવ્યું હતું એવું આ વર્ષે ન થાય તે પ્રમાણેનું તંત્ર આયોજન કરે.
તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા એવું પણ જણાવ્યું હતું કે વડસર રોડ ઉપર દુકાનવાળાને હજુ સુધી ₹40,000 ની સહાય આપવાના વચનો ચાલુ છે અધિકારીઓ તો એવું કહે છે કે હવે તો બધું પતી ગયું હવે કોઈ સહાય ના મળે.
શાસકોને સત્તાનો નશો ચડી ગયો છે: ઋત્વિક જોશી.
કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ ભાજપના શાસકોની ભ્રષ્ટ કામગીરીની સામે આંગળી ચીંધીને આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બીજેપીના શાસનમાં શાસકોને સત્તાનો અનહદ નશો ચડી ગયો છે. પુર પીડિતો એક વર્ષથી આર્થિક સહાય લેવા ધક્કા ખાય છે છતાં તેમને મદદ અપાતી નથી.