Dahod

ગધેડાઓની અડફેટે દાહોદના માજી કાઉન્સિલર ગંભીર રીતે ઘાયલ

દાહોદ–મંડાવાવ રોડ પર વિચિત્ર માર્ગ અકસ્માતથી ચકચાર
દાહોદ
દાહોદ: દાહોદ નગરપાલિકાના માજી કાઉન્સિલર દિનેશભાઈ સીકલીગર હવલાભાઈને એક વિચિત્ર માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના મંડાવાવ જતા માર્ગ પર બે ગધેડાઓ બાખડતા હતા, તે દરમિયાન તેમની અડફેટે આવતા એક્ટીવા સવાર દિનેશભાઈ રસ્તા પર પટકાયા હતા.
મળતી માહિતી અનુસાર, દાહોદ શહેરમાં રહેતા અને નગરપાલિકાના માજી કાઉન્સિલર દિનેશભાઈ હવલાભાઈ કોઈ કામ અર્થે પોતાની એક્ટીવા લઈને મંડાવાવ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક રસ્તા પર બે ગધેડાઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. ગધેડાઓની અડફેટ લાગતા દિનેશભાઈનું વાહન અસંતુલિત બન્યું અને તેઓ રસ્તા પર પટકાયા હતા.
અકસ્માતમાં દિનેશભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ બનતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતની ઘટનાએ શહેરમાં રખડતા પશુઓના પ્રશ્નને ફરી એકવાર ઉજાગર કર્યો છે અને માર્ગ સલામતી અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

Most Popular

To Top