Vadodara

ગણેશ ઉત્સવ-નવરાત્રીમાં ધાર્મિક હોર્ડીંગની મર્યાદિત મંજૂરી અપાશે

વડોદરામાં ધાર્મિક લાગણીને માન આપીને એક મંડળને ફક્ત 5 હોર્ડીંગની છૂટ મળશે

કોમર્શિયલ જાહેરાત નહિ લગાવી શકાય, મંડપથી 50 મીટર સુધી જ ધાર્મિક હોર્ડીંગ મંજૂરી મળી શકશે

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરને હોર્ડીંગ ફ્રી / ટેમ્પરરી ગેટ ફ્રી / કમાન ફ્રી બનાવવા અંગે સામાન્ય સભાના ઠરાવને ધ્યાને લઈ હાલ બિનઅધિકૃત હોર્ડીંગ લગાવવાની કોઈ મંજૂરી આપવામાં આવતી નથી. તેમ છતાં ગણેશ ઉત્સવ તથા નવરાત્રી જેવા ધાર્મિક તહેવારોમાં આયોજકો તરફથી વારંવાર હોર્ડીંગ માટે અરજીઓ આવતા સ્થાયી સમિતિ સમક્ષ મર્યાદિત પરવાનગી આપવા પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ પ્રસ્તાવ મુજબ ધાર્મિક લાગણીઓને માન આપી માત્ર 15 દિવસ માટે ધાર્મિક હોર્ડીંગ લગાડવાની છૂટ આપવામાં આવશે. આ મંજૂરી માટે અરજદારે જમીન મિલકત શાખામાંથી પરવાનગી લેવી ફરજિયાત રહેશે અને દરેક હોર્ડીંગ માટે રૂ.200 ફી ભરવી પડશે. એક મંડળને માત્ર 5 ધાર્મિક હોર્ડીંગ લગાડવાની મંજૂરી રહેશે અને તેમાં કોઈપણ કોમર્શિયલ જાહેરાત મૂકાઈ શકશે નહીં.

હોર્ડીંગ માત્ર મંડપથી 50 મીટરની ત્રિજ્યામાં જ લગાડવા પડશે. ટ્રાફિક જંકશન, ચાર રસ્તા, સરકારી અને ઐતિહાસિક ઈમારતો પર હોર્ડીંગ લગાડવા સંપૂર્ણ મનાઈ રહેશે. પરવાનગી સમયગાળો તહેવાર શરૂ થવાના 5 દિવસ પહેલા થી લઈને તહેવારના અંતિમ દિવસ સુધીનો રહેશે. તહેવાર પૂર્ણ થયા બાદ તાત્કાલિક તમામ હોર્ડીંગ દૂર કરવાના રહેશે. પ્રસ્તાવ મુજબ શહેરમાં કોઈપણ પ્રકારના ગેટ લગાડવા પર પ્રતિબંધ રહેશે. આ અંગેની જરૂરી કાર્યવાહી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને આપવા પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

Most Popular

To Top