Dahod

ગઢરા વિસ્તારમાં વન વિભાગના મજૂરો સાથે અન્યાય! : એક વર્ષથી વેતન મળ્યું ન હોવાના મજૂરોએ આક્ષેપ કર્યાં

RFOએ કહ્યું, ‘કોઈ પેમેન્ટ ચુકવવાનુ બાકી નથી’


દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગઢરા વિસ્તારમાં વન વિભાગના મજૂરો સાથે અન્યાય થયો છે. સામાજિક વનીકરણ વિભાગની વિસ્તરણ રેન્જમાં કામ કરતા મજૂરોને છેલ્લા એક વર્ષથી વેતન મળ્યું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. જોકે, RFOએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં હતા અને કોઈ પેમેન્ટ ચુકવવાનુ બાકી ન હોવાનું જણાવ્યું છે.

ગઢરા કુપ નંબર 9માં વર્ષ 2024-25 દરમિયાન 7 મજૂરોએ 8,880 ખાડા ખોદવાનું કામ કર્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) પ્રકાશ ચક્રવર્તીએ ખાડા નાના લાગતા ફરીથી ઊંડા કરાવ્યા હતા. મજૂરોએ વૃક્ષારોપણ, નિંદામણ અને જાળવણીનું કામ પણ કર્યું હતું.

વોચમેન ભાથુભાઈ પારગીએ જણાવ્યું કે, મજૂરોને માત્ર 17 હજાર રૂપિયા જ ચૂકવવામાં આવ્યા છે. તેમણે મજરોના બાકી વેતન માટે RFO સમક્ષ મજૂરોએ ફોરેસ્ટર સહિત અનેક અધિકારીઓને રજૂઆત કરી છે. પરંતુ કારમી મોંઘવારીમાં વેતન ન મળવાથી મજૂરોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ મામલે કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

ગઢરા ગામના વધુ એક મજુર પારસિંગભાઈએ જણાવ્યુ કે, અમે 8880 ખાડા ખોદ્યા, વૃક્ષારોપણ કર્યુ, ગોડાઉન કર્યો તેમ છતા અમોને મજુરીના પુરતા પૈસા મળેલા નથી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતા દિવાળી તહેવાર વખતે પણ પૈસા નથી આપ્યા, હોળીનો તહેવાર પણ પૈસા વગર કરી નથી શક્યા, અમારા ગામના જ વોચમેન છે, અમારી પાસે વોચમેને કામ કરાવ્યું હતું અમે તેમની પાસે પૈસા માંગીએ છીએ તો વોચમેન કહે છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પૈસા આપતા નથી, મજુરીના પૈસા વિના અમારા ખાવા-પીવાના ફાફા પડે છે.

મજુરો તેમજ વોચમેનની રજૂઆત બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફતેપુરા પ્રકાશ ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, પ્લાન્ટેશન કર્યાને એક વર્ષ થઈ ગયું છે, કોઈ પેમેન્ટ ચુકવવાનુ બાકી નથી, બધુ પેમેન્ટ ચુકવાઈ ગયુ છે, મને કોઈ મજુરો કે વોચમેન મળવા માટે આવેલ નથી, અને હુ એમને નોકરીમાંથી કાઢી મુકવાનો છું, વન વિભાગના ચોકીદારે વન વિભાગના વફાદાર રહેવુ જોઈએ તેની જગ્યાએ નાટકો કરે છે.

Most Popular

To Top