ટેન્ડર વિના જ ત્રણ બ્રિજ પાછળ ₹1.73 કરોડનો ખર્ચ! સ્થાયી સમિતિને માત્ર જાણ કરાઈ
વડોદરા પાદરા નજીક ગંભીરા ગામ પાસે બ્રિજ ધરાશાયી થવાની ગંભીર દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યભરના તમામ બ્રિજની મજબૂતાઈ ચકાસવા અને જરૂરી મરામત કરવાના આદેશ આપ્યા હતા. આ આદેશના પગલે વડોદરા મહાનગરપાલિકા એ પણ શહેરની હદમાં આવેલા આશરે 24 જેટલા બ્રિજનું સઘન નિરીક્ષણ હાથ ધર્યું હતું.
બ્રિજના સર્વે દરમિયાન, કમાટીબાગ નજીક ત્રણ સ્થળોના બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જણાતા તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયા હતા. જ્યારે બાકીના એકવીસ બ્રિજ માટે તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ મરામતની કામગીરીમાં બ્રિજના સ્ટ્રક્ચરના રિપેરિંગને લગતી કામગીરી, જેમ કે ગનાઈટીંગ, ગ્રાઉટીંગ, એપોક્ષી પેઇન્ટ વગેરેનો સમાવેશ થાય છે. મહત્ત્વની વાત એ છે કે આ કામગીરી કોઈ પણ જાતની જાહેરાત, ટેન્ડર પ્રક્રિયા તેમજ 2% અને 3% કપાત અને કરાર કર્યા વિના સીધી જ ઇજારદારો પાસે કરાવવામાં આવી હતી.
GPMC એક્ટની કલમ 67/3/સી હેઠળ આ કામગીરી કરવામાં આવી હોવાથી, કમિશ્નર તરફથી થયેલા કુલ ખર્ચની હકીકત સ્થાયી સમિતિ ને માત્ર જાણકારી માટે રજૂ કરવામાં આવી છે. આ પગલું બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક લેવાયેલું છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયાનો ભંગ થતા વહીવટી પ્રશ્નો ઊભા થવાની સંભાવના છે.
ત્રણ બ્રિજ પર ₹1.73 કરોડનો ખર્ચ…
પાલિકા તંત્રએ શહેરના વિવિધ બ્રિજ પર મરામતની કામગીરી કરાવી હતી. આ પૈકી ત્રણ મુખ્ય બ્રિજની મજબૂતાઈ વધારવા પાછળ મોટો ખર્ચ થયો છે. ઇજારદારો દ્વારા રજૂ કરાયેલા બિલ મુજબ, આ મુજબનો ખર્ચ થયો છે:
*રિવર ઓવર બ્રિજ: ₹32.60 લાખ (બ્રિજ નજીકના ભાગે મજબૂતીકરણ માટે)
*કાલાઘોડા બ્રિજ: ₹95.42 લાખ
*આરાધના રિવર ઓવરબ્રિજ: આશરે ₹45 લાખ
*કુલ ખર્ચ: ₹1.73 કરોડ