Vadodara

ગંદુ પાણી: કિશનવાડીમાં પ્રજાનો ‘જળ’ આક્રોશ!

કાળા પાણીથી ત્રાહિમામ સ્થાનિકો વોર્ડ ઓફિસે પહોંચ્યા, કહ્યું: “પાણી ન આપો તો વોટ માંગવા આવતા નહીં!”

વડોદરા.

* શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા નાગરિકો છેલ્લા એક વર્ષથી પીવાના દૂષિત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કબીર ચોક આસપાસના વિસ્તારમાં નળમાં કાળા અને અતિશય ગંદા રંગનું પાણી આવતું હોવાથી સ્થાનિકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા, રોષે ભરાયેલા સ્થાનિકો આજે વોર્ડ નંબર 5ની વોર્ડ ઓફિસે દૂષિત પાણીના નમૂનાઓ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

કિશનવાડી વિસ્તારમાં એક વર્ષથી પીવાના પાણીની લાઈનમાં ગંદુ અને કાળું પાણી આવી રહ્યું છે. પાણી એટલું દૂષિત હોય છે કે નાગરિકો તેને પીવા માટે ભરી પણ શકતા નથી. સ્થાનિકોએ આ પાણીને પીવાલાયક ન હોવાની અનેકવાર ફરિયાદ કરી છે.

આ ગંભીર સમસ્યા અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિરાકરણ ન આવતા, આજે સ્થાનિકો વોર્ડ કચેરીએ ઉમટી પડ્યા હતા. તેઓ પોતાની સાથે દૂષિત પાણીના નમૂનાઓ પણ લાવ્યા હતા અને અધિકારીઓ સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે, તેમની વારંવારની ફરિયાદો છતાં તંત્ર દ્વારા આ ગંભીર જનઆરોગ્યના પ્રશ્નને અવગણવામાં આવી રહ્યો છે. અમારે પાણી વેચાતું લાવવું પડે છે. અમે રોજ લાઇ રોજ ખાવા વાળા છે અમને બહારથી લાવવું પોસાતું નથી.

સ્થાનિકોએ જનપ્રતિનિધિઓ પ્રત્યે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું કે, કોર્પોરેટરો માત્ર ચૂંટણીના સમયે જ દેખાય છે અને મોટા મોટા વાયદાઓ કરે છે. પરંતુ જીતી ગયા પછી તેઓ વિસ્તારની મુલાકાત પણ લેતા નથી.
સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, “જો પીવાનું પાણી ન આપી શકતા હોય, તો વોટ માંગવા આવું નહીં.” આ નિવેદન સ્પષ્ટ દર્શાવે છે કે લોકો પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા ન મળવાથી કેટલા દુઃખી અને ક્રોધિત છે. તંત્ર અને જનપ્રતિનિધિઓ આ ગંભીર સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ છે.

એક વર્ષથી દૂષિત પાણી મળી રહ્યું છે કોઈ સાંભળતું નથી

રજૂઆત કરવા આવેલા એક વૃદ્ધ મહિલા શાંતાબેને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “પાણી અત્યંત ગંદુ હોવાથી એ હું ભરી શકતી નથી. રાત્રે ઘરે વહુ પણ ઝઘડો કરે છે અને કહે છે કે, તમે પીવાનું પાણી કેમ ભરતા નથી? પરંતુ આ દૂષિત કાળા રંગનું પાણી કેવી રીતે ભરી શકાય? તે અમને અહીં બેઠેલા અધિકારીઓ સમજાવે.”

બજારમાંથી વેચાતું પાણી લાવવું અમને પોસાતું નથી

એક વર્ષથી પાલિકા દ્વારા અમારા વિસ્તારમાં જે પાણી વિતરણ કરવામાં આવે છે તે પીવા લાયક તો નથી જ પરંતુ બીજા કોઈ કામમાં પણ ઉપયોગ લઈ શકાય તેમ નથી જેના કારણે બજારમાંથી વેચાતું પાણી અમારે લાવવું પડે છે. દૂષિત અને ગંદા પાણીના કારણે વિસ્તારમાં બીમારીઓ ફેલાઈ ગઈ છે બાળકો તેમજ વૃદ્ધ લોકો ને ચામડીના રોગ પેટમાં દુખાવો તેમજ પાણીજન્ય રોગો થયા છે. બહારથી પાણી વેચાતું લાવવું તેમને પોસાતું નથી પરંતુ મજબૂરીમાં અમારે પીવાનું પાણી બહારથી વેચાતું લાવવું પડે છે. સ્થાનિક મહિલા(ચેતના બેન)

Most Popular

To Top