ઓનલાઇન ફરિયાદ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં
આજવા રોડ વિસ્તારમાં ઘણા દિવસોથી પીવાના પાણીમાં દુર્ગંધ અને ગંદકી, અનેક રહીશો બીમાર પડતાં તાત્કાલિક ઉકેલની માંગણી
વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ પર આવેલી રામેશ્વર સોસાયટીના રહીશો છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક તરફ પાણી નિયમિત ન આવવાની સમસ્યા છે, તો બીજી તરફ જ્યારે પણ પાણી આવે છે, ત્યારે તે દુષિત, ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે. આ ગંદા પાણીના વપરાશને કારણે સોસાયટીના અનેક સ્થાનિકો બીમાર પણ પડ્યા હોવાના અહેવાલો છે, જેના પગલે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.
રામેશ્વર સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, પાણીની લાઇનમાં ગંદકી ભળી જવાને કારણે પાણી અત્યંત દુષિત થઈ ગયું છે. પીવાના પાણીમાં સતત દુર્ગંધ આવતી હોવાથી તે વપરાશ માટે સંપૂર્ણપણે અયોગ્ય બની ગયું છે. સ્થાનિકોને પીવા માટે અન્ય જગ્યાએથી અથવા ખાનગી બોરનું પાણી લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેમના આર્થિક બોજમાં પણ વધારો થયો છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી આવતા આ દુષિત પાણીના વપરાશને કારણે સોસાયટીમાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે. પેટના રોગો અને અન્ય પાણીજન્ય બીમારીઓના કેસમાં વધારો થયો છે, જેના કારણે રહીશોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે.
આ ગંભીર સમસ્યા અંગે રામેશ્વર સોસાયટીના જાગૃત નાગરિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઇન ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તેમ છતાં, સમસ્યાનો તાત્કાલિક ધોરણે કોઈ ઉકેલ આવ્યો નથી. ફરિયાદ કર્યાના ઘણા દિવસો વીતી જવા છતાં પરિસ્થિતિ જૈસે થે રહેતા, રહીશોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ફેલાઈ છે.
સ્થાનિકોએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પીવાનું શુદ્ધ પાણી એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, પરંતુ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી આ અધિકાર છીનવાઈ ગયો છે.
સ્થાનિકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાણી પુરવઠા વિભાગ સમક્ષ સખત માંગણી કરી છે કે, “તાત્કાલિક ધોરણે પાણીની લાઇનની ચકાસણી કરવામાં આવે, લિકેજ હોય તો તેનું સમારકામ કરવામાં આવે અને સોસાયટીમાં ચોખ્ખું તથા પૂરતું પીવાનું પાણી મળે તેની વ્યવસ્થા ગોઠવવામાં આવે.” જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.