દંતેશ્વર રબારીવાસમાં પાંચ ઢોરવાડા પર કાર્યવાહી, અન્ય વિસ્તારમાં ઢોર ટેગિંગ ચેકિંગ શરૂ થશે
શહેરમાં રસ્તા પર રખડતા ઢોરના કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અનધિકૃત ઢોરવાડા ઉભા થયાં છે, જે ગંદકી ફેલાવવાની સાથે જાહેર આરોગ્ય માટે પણ હાનિકારક બની રહ્યા છે. હવે પાલિકા તંત્રે આવા ઢોરવાડા સામે કાર્યવાહી શરૂ કરી છે. ગઇકાલે, શહેરના દંતેશ્વર વિસ્તારના રબારીવાસમાં આવેલા પાંચ ઢોરવાડા પર તંત્રે લાલ આંખ કરી હતી. માર્કેટ સુપરિટેન્ડન્ટ ડો. વિજય પંચાલની આગેવાનીમાં પાલિકા ટીમે ઢોરવાડાઓની તપાસ કરી, જેમાં ગંદકી અને લાયસન્સ વગર ઢોરવાડા ચલાવવાના કેસ નોંધાયા. પરિણામે, તંત્રએ દરેક ઢોરવાડા પર રૂ.2,000ના હિસાબે કુલ રૂ.10,000નો દંડ વસૂલ્યો.
શહેરમાં ઢોર વ્યવસ્થાપન માટે તંત્રે કડક નિયંત્રણો અમલમાં મૂક્યા છે. થોડા દિવસ અગાઉ ઢોર પાર્ટીની ટીમો પણ વધારવામાં આવી છે. આજની કાર્યવાહી બાદ, આગામી સમયમાં તંત્ર અન્ય વિસ્તારોમાં ઢોરના ટેગિંગની ચકાસણી હાથ ધરશે. ઢોર પર ઈલેક્ટ્રોનિક ટેગિંગ થવાથી માલિકની ઓળખ શક્ય બને અને ગેરકાયદેસર ઢોર છોડનારા સામે તંત્ર વધુ અસરકારક રીતે પગલાં લઈ શકે. શહેરમાં જાહેર આરોગ્ય અને વાહનવ્યવહાર માટે સમસ્યા સર્જતા ઢોર સામેની કાર્યવાહી હવે નિયમિત બની રહી છે. તંત્ર દ્વારા અમલમાં મુકાયેલા નવા નિયમો અનુસાર, બિનલાયસન્સ ઢોરવાડાને તુરંત ખાલી કરવા માટે સૂચના આપવામાં આવશે. જો માલિકો પાલિકા નક્કી કરેલા નિયમોનું પાલન નહીં કરે, તો વધુ દંડ અને ઢોર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
