જાહેરમાં ગંદકી ફેલાવનારાઓને પાલિકાએ 16 લાખથી વધુનો દંડ ફટકાર્યો
શહેરના તમામ વોર્ડમાંથી સરેરાશ અંદાજિત 1.50 લાખ દંડની વસૂલાત કરાઈ
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં ગંદકી ફેલાવનારાઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લાં દોઢ મહિનાના સમયગાળામાં પાલિકાએ અંદાજિત 28 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. શહેરના તમામ વોર્ડમાં દરરોજ પાલિકાની વોર્ડ વાઇઝ બનાવાયેલી ટીમો સતત ઇન્સ્પેક્શન કરે છે અને ગંદકી કરનારા સામે તાત્કાલિક દંડ ફટકારવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, ફક્ત જાહેરમાં ગંદકી કરવાના કેસમાં જ પાલિકાએ અંદાજિત રૂ. 16 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરનારા વેપારીઓ અને કન્સ્ટ્રક્શન સાઈટો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ બંનેમાંથી મળીને અંદાજિત રૂ. 10 લાખથી વધુનો દંડ વસૂલાયો છે.
ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ કમિશનર દ્વારા દંડનીય કાર્યવાહી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે હવે દંડ વસૂલાતની કાર્યવાહી સઘન બનાવી દેવાઈ છે. શહેરના તમામ વોર્ડની વાત કરવામાં આવે તો છેલ્લા દોઢ મહિનામાં સરેરાશ 1.50 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આગામી સમયમાં આ આંકડો હજુ પણ બમણો થાય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આવનાર વર્ષોમાં શહેરને સફાઈ મામલે સારો રેન્ક મળી રહે એ માટે ગંદકી ફેલાવનારા સામે સખત પગલા લેવામાં આવી રહ્યા છે. પાલિકા તરફથી અગાઉથી જાહેર સૂચના આપી દેવામાં આવી હતી કે, જાહેર સ્થળે ગંદકી કે પ્લાસ્ટિક ઉપયોગ કરશો તો દંડ ફરજિયાત ભરવો પડશે. આગામી દિવસોમાં પાલિકાની આ કાર્યવાહી સતત ચાલુ રહેશે.
પ્લાસ્ટિક દંડ મામલે દુકાનદારો અને પાલિકા વચ્ચે અવારનવાર ચકમક
પાલિકાના કર્મીઓ જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે દંડ વસૂલવા જાય છે ત્યારે દુકાનદારો સાથે અવારનવાર ચકમક થતી હોવાનું જાણવા મળ્યું છે. વાત જાણે એમ છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક નિયત્રંણ માટે સરકાર તરફથી પણ કડક આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ જ્યારે પાલિકાના કર્મીઓ દુકાનદારો, લારીધારકો પાસે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે દંડ વસૂલવા જાય છે ત્યારે તેમને પાલ્સ્ટિક બાબતે ખરું ખોટું સંભાળવું પડે છે. પ્લાસ્ટિક દંડ મામલે અવારનવાર દુકાનદારો, લારીધારકો આક્ષેપ કરે છે કે, તમે પ્લાસ્ટીક બનાવતી ફેક્ટરી સામે પગલા ન ભરી અમારી સામે જ કાર્યવાહી કરો છો. જો પ્રોડક્શન જ નહીં થાય તો અમે પણ ઉપયોગ નહીં કરીએ.