પાંચ વર્ષથી ડ્રેનેજ જોડાણ નહીં, પણ અચાનક નવી લાઇન નાખવાના પ્રયાસ સામે ગ્રામજનોમાં રોષ;
“બિલ્ડરોને ફાયદો કરાવવા તળાવમાં ગંદુ પાણી છોડવાનું ષડયંત્ર” હોવાનો આક્ષેપ
વડોદરા : સેવાસી ગામમાં વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવેલી ગટર લાઇનના જોડાણની કામગીરી પર સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવી હલ્લાબોલ કર્યો હતો. ગ્રામજનોના આ આક્રમક વિરોધને પગલે વુડા વિભાગે હાલ પૂરતી આ કામગીરી અટકાવી દેવાની ફરજ પડી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સેવાસી ગામનો વિસ્તાર છેલ્લા પાંચ વર્ષથી વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ પામ્યો છે, તેમ છતાં ગામમાં પાલિકા દ્વારા ડ્રેનેજ જોડાણની કામગીરી કરવામાં આવી નહોતી. આ સંજોગોમાં, વુડા દ્વારા અચાનક અને તાબડતોબ ગટર લાઇન નાખવાની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ અને રોષ ફેલાયો હતો.

સેવાસીના ગ્રામજનોએ વુડાની આ કામગીરી પાછળ ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામજનોના મતે, આ ગટર લાઇન ખરેખર તો વુડા વિસ્તારના ખાનપુરનું ગંદુ પાણી તેમના સેવાસી તળાવમાં છોડવા માટે વરસાદી ગટર લાઇનના નામે નાખવામાં આવી રહી છે. ગ્રામજનોના આક્ષેપ છે કે આ એક સ્પષ્ટ ‘ષડયંત્ર’ છે.

સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, “અમારા સેવાસી ગામમાં છેલ્લા પાંચ વર્ષથી જે ગટર વ્યવસ્થા છે તે યોગ્ય હોવા છતાં આ નવી લાઈન નાખવાની શું જરૂર પડી? આ લાઇન તળાવમાં ગંદા પાણી છોડવા માટે જ નખાતી હોય તેવું સ્પષ્ટ દેખાય છે.”

ગ્રામજનોએ વુડાની આ કામગીરી પાછળ સૌથી મોટો અને ગંભીર આક્ષેપ અમુક ચોક્કસ બિલ્ડરોને ફાયદો કરાવવાનો ઈરાદો હોવાનો મૂક્યો છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, “અમે વિકાસના નામે થતી કોઈ પણ પ્રકારની છેતરપિંડી નહીં ચલાવી લઈએ.”

સ્થાનિક રહીશોને આશંકા છે કે જોડાણની આ કામગીરીમાં કોઈ મોટી ગેરરીતિ કે બિલ્ડર સાથેની સાંઠગાંઠ છે, અને જ્યાં સુધી આ અંગે યોગ્ય ખુલાસો નહીં થાય ત્યાં સુધી તેઓ કામ શરૂ થવા દેશે નહીં.

વુડા દ્વારા ગટર લાઇનના જોડાણની કામગીરી શરૂ કરવામાં આવતા જ, સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં સ્થળ પર ભેગા થયા હતા અને વુડાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો. ગ્રામજનોના આ આક્રમક વલણ અને પ્રચંડ વિરોધને ધ્યાનમાં રાખીને, વુડા વિભાગે તાત્કાલિક અસરથી કામગીરી અટકાવવાનો નિર્ણય લેવો પડ્યો હતો.