લાયસન્સ વગર ધમધમતી ૩ બેકરી અને જાણીતી રેસ્ટોરન્ટ્સને તાળાં મરાયા
સયાજીગંજથી તરસાલી હાઇવે સુધી સઘન તપાસ; ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ બદલ અનેક એકમોને શીડ્યુલ-4 ની નોટિસ ફટકારાઈ

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને ડેઝીગ્નેટેડ ઓફિસર તથા અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખા દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પર આકસ્મિક ચેકિંગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરોની ચાર અલગ-અલગ ટીમો બનાવી શહેરના ચારેય ઝોનમાં વ્યાપક તપાસ કરવામાં આવી હતી.
ખોરાક શાખાની આ ટીમોએ શહેરના ગેન્ડીગેટથી સ્વામીનારાયણ મંદિર રોડ, ગોત્રી-સેવાસી રોડ, કૃણાલ ચાર રસ્તા, સયાજીગંજ, નેશનલ હાઇવે નં-8 તરસાલી અને હનુમાન ટેકરી વિસ્તારમાં અખાદ્ય પદાર્થો સાથે જોડાયેલા કુલ 48 એકમો પર ઇન્સ્પેક્શન કર્યું હતું. જેમાં હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, રિટેલર અને ઉત્પાદક પેઢીઓનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન અત્યંત બિનઆરોગ્યપ્રદ સ્થિતિ અને લાયસન્સના અભાવે કુલ 16 એકમોને સીલ મારી દેવામાં આવ્યા હતા. જેમાં ગેન્ડીગેટ વિસ્તારના બીસ્મીલ્લાહ કેટરર્સ અને ગરીબ નવાઝ કેટરર્સ તેમજ ગોત્રી-સેવાસી રોડ પરના રામદેવ પંજાબી ખાના જેવા એકમો સામે કડક પગલાં લેવાયા હતા. આ ઉપરાંત, સયાજીગંજની ન્યુ સાલીમાર રેસ્ટોરન્ટ અને સ્વદેશ રેસ્ટોરન્ટમાં પણ ગંદકી અને અનહાઇજેનીક કંડીશન જોવા મળતા તેમને સીલ કરવામાં આવ્યા હતા. તરસાલી હાઇવે પરની નિર્મલ હોટલ, કનૈયા કાઠીયાવાડી લોજ, અને નિઝામ રેસ્ટોરન્ટ તેમજ હનુમાન ટેકરી વિસ્તારની ખુશ્બુ, કૃષ્ણ અને મમતા બેકરીને પણ લાયસન્સ વગરના ધંધા અને ગંદકી બદલ સીલ કરાયા હતા.
આ કાર્યવાહી દરમિયાન વહીવટી તંત્રે 126 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો અને ૫ લીટર એક્સપાયરી ડેટ વાળો સીરપનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો. સાથે જ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ 19 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ખોરાક શાખાએ નિયમોનું ઉલ્લંઘન કરનાર ફૂડ બિઝનેસ ઓપરેટરો પાસેથી કુલ રૂ. 146500/- નો દંડ વસૂલ કર્યો હતો અને 16 એકમોને શીડ્યુલ-4 ની નોટિસ ફટકારી હતી.
બ્રમ્હાણી ખમણ હાઉસમાં તપાસ દરમિયાન 71 કિલો જેટલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરી દંડની કાર્યવાહી કરાઈ હતી. તેમજ અનેક નામી રેસ્ટોરન્ટ્સ અને આઈસક્રીમ પાર્લરોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ રૂ. 5000 થી 10000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કડક કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.