વડોદરા શહેરમાં ગતરોજ મોડી રાતે એક કલાક પડેલ વરસાદ બાદ મનપાની પોલ ખુલ્લી પડી ગઈ છે. આજે વહેલી સવારે શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલી વરસાદી કાંસનો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા વરસાદી કાંસ બેસી ગઈ હતી. ધડાકાભેર વરસાદી કાંસનો સ્લેબ તૂટી પડતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ખોડિયાર નગર ન્યુ VIP રોડ પર આવેલ શિવ બંગ્લોઝ પાસેથી પસાર થતી વરસાદી કાંસનો સ્લેબ આજે વહેલી સવારે ધડાકા ભેર તૂટી પડતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
જોકે, ગત રાતે મોડી રાતે પડેલ વરસાદ બાદ વરસાદી કાંસનો સ્લેબ તૂટી પડતા મનપાની કામગીરી પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. આ સાથે કાંસ બેસી જતા વરસાદી પાણી બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને નાગરિકો માટે જોખમ ઉભું થયું છે.
સ્થાનિકોએ જાણવ્યું હતું કે, આજે સવારે 6 વાગે 20 વર્ષ પહેલા બનાવેલ વરસાદી કાંસનો સ્લેપ અચાનક એક મોટા ધડાકા સાથે પડી ગયો. જો તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કા સફાઈ કરવામાં નહીં આવે તો આજુબાજુના મકાનો પણ બેસી જાય તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે. જો મનપા તંત્ર સફાળુ ના જાગે તો 200 મકાનોમાં ભારે નુકસાની થશે અને ભોંય તળિયાના મકાનો છે તેમાં 5થી 10 ફૂટ પાણી ભરાઈ જવાની સંભાવના છે. જેથી તંત્રને અમારી વિનતી છે કે, યુદ્ધના ધોરણે અહીંયા સફાઈ અને સમારકામની કામગીરી કરવામાં આવે.