Vadodara

ખોડીયારનગરમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી, 7 મકાન અને 6 દુકાનો દૂર કરાયા

વડોદરા: શહેરના ખોડીયારનગર વિસ્તારમાં આજરોજ પાલિકા તંત્રે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. અહીં કોર્પોરેશનના જે પ્લોટ કોમર્શિયલ વેચાણ માટે રિઝર્વ છે, ત્યાં વિના મંજૂરી બનાવવામાં આવેલા મકાનો અને દુકાનો હટાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, પાલિકા પાસે મળેલી ફરિયાદના આધારે તપાસ કરાઈ હતી, જેમાં આશરે 7 મકાન અને 6 દુકાનો ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલા હોવાનું સામે આવ્યું હતું. પાલિકા તંત્રે દબાણ કરનારાઓને પહેલાં નોટિસ આપી હતી અને પછી બે વાર મૌખિક રીતે પણ જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું.

અંતે આજે પાલિકાની દબાણ શાખાએ પોલીસ સ્ટાફની હાજરીમાં કાર્યવાહી કરી હતી. ઝુંપડપટ્ટી જેવી દુકાનો અને ઘરોને તોડવામાં આવ્યા હતા. કેટલાક રહેવાસીઓએ કાર્યવાહી પહેલાં પોતાની મરજીથી દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કોઈ મોટી ઉથલપાથલ થઈ નહોતી અને સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

Most Popular

To Top