ચોર શટર અડધુ બંધ કરી મશીન ખેલ પાડતો હોય લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયાં
પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે એટીએમમાંથી ખેંચીને ચોરને બહાર કાઢ્યો
પ્રતિનિધિ વડોદરા તા.11
વડોદરાના વાસના ભાયલી રોડ ઉપર પંચમુખી હાઉસિંગના મકાનમાં રહેતા મનોજસિંહ મુન્નાસિંહ ભદોરીયા ટ્રાન્જેકશર સોલ્યુશન ઈન્ટરનેશનલ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર છે. તેમની કંપનીએ એસબીઆઈ તથા સીબીઆઈ તથા યુબીઆઈ બેન્કના વડોદરા શહેરના એટીએમ મશીનના મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ લીધો છે. દરમિયાન 11 સપ્ટેમ્બરે રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં તેઓ ઘરે ઉંઘતા હતા. તે દરમિયાન કંપનીના ઈ સર્વેલન્સ ટીમના સીસીટીવી કેમેરા જોવાનુ કામ કરતા રણજીતભાઇ ચવાને મોબાઈલ નંબર પર ફોન કરી જણાવ્યુ હતું કે ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી એસબીઆઇ બેન્કના એટીએમમા કોઈ શખ્સ ગેસ સિલિન્ડર લઈને ઘૂસ્યો છે. જેથી મેનેજર દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રુમ પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને રાજેન્દ્ર જયંતી બારીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસ એન્ટ્રી કરી હતી. ત્યારે આ શખ્સ એટીએમ મશીનનો લોખંડના ડોરની બોડી ગેસ કટરથી કાપી રહ્યો હતો. પોલીસે રાજેન્દ્ર બારીયા પાસેથી એક ગેસ સિલિન્ડર, એક ઓક્સિજનો બોટલ તથા જ્વલનશીલ પદાર્થ સહિત રૂ. 80 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઓક્સિજનનો બોટલ ખાનગી હોસ્પિટલમાંથી ચોરી કરી લાવ્યો
આરોપી રાજેન્દ્ર બારીયા આજવા રોડ પર આવેલા રણછોડનગરમાં રહેતા પોતાની બહેન બનેવી સાથે રહે છે. યુવક અપરીણીત છે અને તેના માતા પિતા ગામડે રહે છે. હાલમાં બાઇક પર ઓક્સિજનનો બોટલ ખાનગી હોસ્પિટલમાંથી ચોરી કરીને લાવ્યો હતો. પરંતુ પોલીસની પૂછપરછ દરમિયાન એકલો બાઇક પર ઓક્સિજન સિલિન્ડર લાવ્યો હોવાની થિયરી કહેતો હોય પોલીસને વાત ગળે ઉતરતી નથી. જેથી તેની સાથે અન્ય કોઇ સંડોવણી છે કે નહી તેની તપાસ શરૂ કરાઇ છે. આરોપી સામે ઓક્સિજનના સિલિન્ડરની ચોરીની ફરિયાદ નોંધાશે.