ગ્રાહકો સાથે મળી નકલી દાગીનાને શુદ્ધ ગણાવ્યા; વારસિયા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો
વડોદરા : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ન્યુ વી.આઇ.પી. રોડ પર આવેલી અર્થ આઇકોન બિલ્ડિંગની શાખામાં ખોટા દાગીનાને સાચા ગણાવીને બે ગ્રાહકોને ₹13.53 લાખની લોન અપાવવાના મામલે બેન્કના નિયુક્ત સોનાના વેલ્યૂઅર અને બે એકાઉન્ટ હોલ્ડર વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ન્યુ કારેલીબાગ સ્થિત પંચમ બ્લોસમ સિદ્ધનાથ પ્લેનેટની બાજુમાં રહેતા અને બેન્કના મેનેજર સૌરભ દિનેશપ્રસાદ શાહે આ અંગે વારસિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની શાખા દ્વારા ગ્રાહકોને ગોલ્ડ લોન યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ યોજના માટે બેન્કે છાણીના પિતૃછાયા ગામ કૂવા પાસે રહેતા અને પટોડિયા પોળની શ્રીનાથજી ચેમ્બરમાં શ્રદ્ધા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા દિલીપકુમાર નટવરભાઇ સોનીની મૂલ્યાંકનકાર તરીકે નિમણૂક કરી હતી.
લોન યોજના મુજબ એક વર્ષની મુદત પૂરી થતાં, બંને ગ્રાહકો જીગ્નેશ સોની અને રફીક મલેકને દાગીનાના ફરીથી મૂલ્યાંકન માટે હાજર થવા માટે નોટિસ અને રિમાઇન્ડર આપવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા.
આથી, બેન્ક દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં બેન્ક અધિકારીઓ, ગોલ્ડ મૂલ્યાંકનકાર સંદિપ એચ. સોની અને દિલીપ સોની પોતે હાજર હતા. વીડિયોગ્રાફી સાથે સોનાના દાગીનાના પેકેટ ખોલીને ચેક કરવામાં આવતાં, નવા મૂલ્યાંકનકાર સંદિપ સોનીએ સ્પષ્ટ કર્યું કે ગીરવે મુકાયેલા દાગીના નકલી હતા.
તપાસમાં સામે આવ્યું કે, વેલ્યૂઅર દિલીપ સોનીએ ગ્રાહકો જીગ્નેશ અને રફીક સાથે મળીને દાગીના ખોટા હોવાની જાણ હોવા છતાં, તે શુદ્ધ હોવાનો ખોટો અહેવાલ આપીને બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
આ સમગ્ર મામલે વારસિયા પોલીસે દિલીપકુમાર નટવરભાઇ સોની, જીગ્નેશ હસમુખભાઇ સોની, અને રફીક અસરફભાઇ મલેક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.