Vadodara

ખેતીની જમીનને રેવન્યુ રેકર્ડમાં નામ તબદીલ કરી ત્રાહિત વ્યક્તિને વેચાણ કરી છેતરપિંડી કરનાર ઝડપાયો

પોલીસ ધરપકડથી બચવા આરોપી છેલ્લા છ વર્ષથી ભાગતો ફરતો હતો

સોગંદનામુ અને કરારમાં મિલકત વેચી કે તબદીલ ન કરી શકાય તેવી સ્પષ્ટતા કરી હોવા છતાં આરોપીએ અન્ય ઇસમો સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું

(પ્રતિનિધિ) વડોદરા તા. 28

ગોત્રી ગામમાં આવેલી જમીનમાં મૃતકની સ્વ સંપાદિત જમીનના વીલ અને સોગંદનામામાં જમીનનું વેચાણ કે કોઇને તબદીલ કરી ન શકાય તેવી સ્પષ્ટતા કરેલી હોવા છતાં આરોપીએ અન્ય ઇસમો સાથે મળીને સંમતિ વિના રેવન્યુ રેકર્ડમાં નામ તબદીલ કરી ત્રાહિત વ્યક્તિને વેચાણ દસ્તાવેજો કરી વિશ્વાસઘાત કરનાર આરોપી સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ -2019મા ગુનો નોંધાયો હતો જેમાં પોલીસ ધરપકડથી બચવા છેલ્લા છ વર્ષથી ભાગતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમે પંચવટી ગોરવા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોત્રી ગામમાં આવેલી ખેતીની રે.સ.નં. 661ટી.પી. મુજબ 3187ચોરસ મીટર તથા ગોત્રી ગામની રે.સ.નં. 653/2 ટી.પી.મુજબ 1002ચોરસ મીટર વાળી મિલકત તા. 13-12-1999થી મૃતક નાનજીભાઇ મીઠાભાઇ મકવાણાની સ્વ સંપાદિત મિલકત વીલ થી આપવામાં આવી હતી અને તે વીલ અંગેના સોગંદનામામાં તથા કરાર દાદમા સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં આ વીલ,કરાર કે સોગંદનામામાં કોઇને કોઇ વાંધો નથી સાથે જ આ મિલકત કોઇને વેચાણથી કે તબદીલ કરી આપી ન શકાય તેમ જાહેર કરેલું હોવા છતાં ગોત્રી વિસ્તારમાં આવેલા સર્વોદય મહોલ્લામાં રહેતા આરોપી મુકેશભાઇ નાનજીભાઇ મકવાણાએ અન્ય ઇસમો સાથે મળીને જમીનના વારસદારોની કોઇપણ પ્રકારની સંમતિ વિના અને જાણ કર્યા વિના રેવન્યુ રેકર્ડમાં નામ તબદીલ કરી જમીનનો અન્ય ત્રાહિત વ્યક્તિઓને મિલકત વેચાણનો દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી હતી જે અંગેની વર્ષ -2019મા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી જેમાં પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી મુકેશભાઇ મકવાણા છેલ્લા છ વર્ષથી ભાગતો ફરતો હતો તેના રહેણાંક સરનામે અનેકવાર નોટિસ મોકલવા છતાં તે હાજર થતો ન હતો અને મળતો પણ ન હતો ત્યારે વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યૂમન સોર્સના આધારે તેને શહેરના ગોરવા વિસ્તારમાં વિસ્તારમાં આવેલા પંચવટી, જલારામ ટાઉનશિપ સામેના પાઇનવુડમા રહેતો હોવાનું જાણવા મળતાં તેને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને લક્ષ્મીપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top