Charotar

ખેડા નજીક નેશનલ હાઈવે 48 પર વડાલા પાટીયા પાસે અકસ્માત, પિતા અને બે પુત્રોના મોત

આઈસર ટ્રકે મોટર સાયકલને અડફેટે લેતા પિતા અને બે પુત્રો સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત
(પ્રતિનિધિ) નડિયાદ, તા.29
ખેડા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. રવિવારે સવારના સમયે વડાલા પાટીયા કટ પાસે એક આઈશર ટ્રકે મોટર સાયકલને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોટર સાયકલ પર સવાર એક પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પિતા અને અન્ય એક પુત્રનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજતા શાહ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઘટનાની વિગતો મુજબ અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા નવલભાઈ મણીભાઈ શાહ અને તેમના બે પુત્રો જયકુમાર તથા જીનેશકુમાર મોટર સાયકલ પર સવાર થઈને લીંબાસી ખાતે આવેલી પોતાની કાપડની દુકાને જવા નીકળ્યા હતા. સવારના આશરે 10:45 વાગ્યાના અરસામાં જ્યારે તેઓ વડાલા પાટીયા કટ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જતી આઈશર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટર સાયકલને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે મોટર સાયકલ પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા. જેમાં જયકુમારને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે નવલભાઈ શાહ અને જીનેશકુમારને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ખેડા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ નવલભાઈ અને જીનેશકુમારની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન નવલભાઈ અને જીનેશકુમાર બંનેએ દમ તોડ્યો હતો. અકસ્માતની જાણ થતા મૃતકના પિતરાઈ ભાઈ પરેશકુમાર હિંમતલાલ શાહ સહિતના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ મામલે પરેશકુમારે ખેડા ટાઉન પોલીસ મથકે આઈશર ટ્રકના ચાલક હસીબુરહેમાન મજીબુરહેમાન કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખેડા અને બારેજા વચ્ચેના નેશનલ હાઈવે પર છેલ્લા 24 કલાકમાં અલગ અલગ ચાર અકસ્માતોમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ખાસ કરીને વડાલા ગેસ પ્લાન્ટ સામે આવેલો હાઈવે કટ અકસ્માતોનું કેન્દ્ર બની ગયો છે. અગાઉ પણ આ સ્થળે અનેક જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ જોખમી કટ બંધ કરવામાં ન આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિક રહીશોની માંગ છે કે આ કટને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અથવા ત્યાં ટ્રાફિકના નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. જો વહેલી તકે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજુ પણ વધુ જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડા ટાઉન પોલીસે આ મામલે આઈશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે મૃતક પરિવારના રહેઠાણ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

Most Popular

To Top