Charotar

ખેડા જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલા વિભાગને બટ્ટો લાગ્યો…


LIB શાખાનો ASI ભરતગીરી ગૌસ્વામી 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો…
પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ તરફેણમાં આપવા માટે 40 લાખની માંગણી બાદ 5 લાખ નક્કી કર્યા હતા..
અમદાવાદ ACBએ છટકુ ગોઠવી લાંચીયા પોલીસ કર્મીને ઝડપી પાડ્યો..

ખેડા જિલ્લા પોલીસ વિભાગને વધુ એક લાંચનો બટ્ટો લાગ્યો છે. આ વખતે ખુદ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલા LIB વિભાગના જ પોલીસ કર્મચારી દ્વારા પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ તરફેણમાં આપવા બદલ 40 લાખની માંગણી બાદ 5 લાખમાં નક્કી કરી તે લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. અમદાવાદ ACBએ ફરીયાદીના ઘરે આ આખુ છટકુ ગોઠવી અને પોલીસ કર્મીને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ પોલીસ વડા રાજેશ ગઢીયાની કચેરીમાં એલ.આઈ.બી. શાખા આવેલી છે. આ શાખામાં ભરતગીરી ગૌસ્વામી અર્નામ એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવે છે. આ ભરતગીરીને આજેલ અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે 5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. ઉતરસંડાના પરીવાર એક યુવક વર્ષોથી અમેરીકામાં રહે છે. આ યુવકનો અમેરીકામાં પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. જેથી યુવકે અમેરીકાની ભારતીય એમ્બેસીમાં પાસપોર્ટ કઢાવવા માટે અરજી આપી હતી. આ અરજી બાદ એમ્બેસી દ્વારા સ્થાનિક પોલીસ દ્વારા અપાતુ પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ મંગાવ્યુ હતુ. જે માટે યુવકના પરીવારજનો દ્વારા આ સર્ટીફીકેટ કઢાવવા માટે અરજી કરાઈ હતી. જે સંદર્ભે આ પરીવાર પાસે એલ.આઈ.બી. શાખાના ભરતગીરી ગૌસ્વામી દ્વારા યુવકની તરફેણમાં ક્લીયરન્સ સર્ટીફીકેટ લખી આપવા માટે 40 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી. જેમાં રકઝકના અંતે 5 લાખમાં ડીલ નક્કી થઈ હતી. જો કે, યુવકનો પરીવાર 5 લાખ રૂપિયા આપવા માટે તૈયાર ન હોય, તેમણે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. તેમજ આજે આ લાંચની રકમ લેવા માટે એ.એસ.આઈ. ભરતગીરી ગૌસ્વામી પરીવાર પાસે તેમના ઘરે પહોંચ્યો હતો અને આ દરમિયાન એ.સી.બી.એ છટકુ ગોઠવી અને ભરતગીરીને 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. એ.સી.બી.ની કાર્યવાહીના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. એકતરફ પારદર્શી વહીવટની વાતો ચાલી રહી હોય, ત્યાં ખુદ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલા એક વિભાગના કર્મચારીએ લાંચની આટલી મોટી રકમની માંગણી કર્યા બાદ લાખોની લાંચ સ્વીકારવા માટે પણ પહોંચ્યો હોય, તે પોલીસ વિભાગ પર બટ્ટો લગાડવા માટે પૂરતો દાખલો છે.
બોક્ષઃ-
ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર તળે વર્ષોથી એક જ જગ્યાએ ફરજ પર હતો
પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલા LIB વિભાગમાં ASI તરીકે ફરજ બજાવતો ભરતગીરી ગૌસ્વામી છેલ્લા ઘણા વર્ષોથી એ જ વિભાગમાં ચીટકી રહ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ તે એક જ વિભાગમાં ફરજ પર હતો. અનેક કર્મચારીઓની બદલી આવી છે, પરંતુ આજદીન સુધી આ ભરતગીરીની કોઈ બદલી કરાઈ નહોતી. જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા રહેમ નજર કેમ રાખવામાં આવી હતી, તે પણ મોટો પ્રશ્ન બન્યો છે.
બોક્ષઃ-
PCCના અગાઉના રેકર્ડમાં અરજદારોની તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે
સામાન્ય રીતે વિદેશ જવા પાસપોર્ટ કઢાવતા નાગરીકોને પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટની જરૂર પડતી હોય છે. એકતરફ પોતાનું કરીયર બનાવવા માટે વિદેશ જતા લોકો આ સર્ટીફીકેટ માટે આવેદન કરે, તેવા સમયે કાયદાકીય કોઈ ગુંચવણ ના આવે તે માટે આ પ્રકારે નાણાંકીય વ્યવહારોની માંગણી થતી હોય છે, ત્યારે 5 લાખ જેટલી માતબર રકમની લાંચ લેતા આજે સબંધિત વિભાગનો પોલીસકર્મી ઝડપાઈ ગયો છે, જો અગાઉના PCC અરજદારોની વિગતો મુજબ તપાસ અને પૂછપરછ કરી ઉંડાણપૂર્વક તપાસ કરાય તો અનેક ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે.

Most Popular

To Top