SUPER EXCLUSIVE
મિતુલ કાછીયા કોન્ટ્રાક્ટરને બિલની રકમ ચુકવવા બદલ 4050 રૂપિયા લેતા ઝબ્બે
નડિયાદ, તા.23
ખેડા જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગના નાયબ ચિટનીશ લાંચ લેતા ઝડપાયા છે. મિતુલ પટેલ નામના આ કર્મચારીએ કોન્ટ્રાક્ટર પાસે બિલની ફાઈલ મંજૂર કરાવવા માટે 4050 રૂપિયાની લાંચ માંગી હતી. જે બાદ એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી આ ઈસમને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા સિંચાઈ વિભાગમાં વર્ષોથી નાયબ ચિટનીશ સહિત અનેક હોદ્દા ધરાવતા મિતુલ કાછીયા પર ઉપરી અધિકારીઓના ચાર-ચાર હાથ હતા. પરીણામે નાયબ ચિટનીશ ઉપરાંત વિભાગીય હિસાબનીસ સહિતના ચાર્જ ધરાવતો હતો. આ મિતુલ કાછીયા કોન્ટ્રાક્ટરો પાસે ટકાવારી લેવા ઉપરાંત કામમાં ભ્રષ્ટાચાર આચરી અને કોન્ટ્રાક્ટરો સાથે નાણાંકીય સાંઠગાંઠ પણ કરતો હતો. જિલ્લાના એક કોન્ટ્રાક્ટરના 2.70 લાખના એક વિકાસ કામની ફાઈલ મિતુલ કાછીયાના ટેબલે પહોંચી હતી. જ્યાં તે ફાઈલ દબાવીને બેસી ગયો હતો. બાદમાં આ મામલે કોન્ટ્રાક્ટરે સંપર્ક કરતા મિતુલ દ્વારા દોઢ ટકો વ્યવહાર કરવા માટે જણાવ્યુ હતુ. કોન્ટ્રાક્ટર આ વ્યવહાર ચુકવવા માંગતા ન હોય, તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને આજે બપોરે 4 કલાકે એસીબીએ ટ્રેપ ગોઠવી અને મિતુલ કાછીયાને 4050ની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મિતુલની અટકાયત કરી આગળની કાર્યવાહી આદરી છે.