Charotar

ખેડા જિલ્લામાં ચાંદીપુરાના 3 કેસ એક સાથે મળતાં તંત્રમાં દોડધામ

મહેમદાવાદના 5 વર્ષિય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરામાં સપાડાયા બાદ મોત થતા ચકચાર

ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદમાં નવા કેસો નોંધાતા ચાલુ સિઝનનો કુલ આંકડો 5 પર પહોંચ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.20
રાજ્યભરમાં ચાંદીપુરાના વાયરસના કારણે લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. ખેડા જિલ્લામાં આજે મહેમદાવાદના એક બાળકનું મૃત્યુ થયુ હોવાની પુષ્ટિ થતા ચકચાર મચી ગઈ છે. અગાઉ કપડવંજના દાસલવાડા અને ફુલજીની મુવાડીમાં શંકાસ્પદ કેસ નોંધાયા બાદ આજે અચાનક નવા 3 કેસ સામે આવ્યા છે. જિલ્લાના ગળતેશ્વર, મહેમદાવાદ અને મહુધામાં નવા કેસ નોંધાતા કુલ આંકડો 5 પર પહોંચ્યો છે.
ખેડા જિલ્લામાં આજે વધુ 3 શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. તેમાંય આ ત્રણ કેસ પૈકી મહેમદાવાદના ઘોડાસરમાં ચાંદીપુરામાં સપડાયેલા 5 વર્ષિય બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, આ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે. આ સાથે જ સિઝનમાં ચાંદીપુરમના કારણે પ્રથમ મૃત્ય થયુ હોવાનું સરકારી રેકર્ડ પર નોંધાયુ છે. તો બીજીતરફ ગળતેશ્વર તાલુકાના અંગાડીમાં 10 વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે અને હાલ આ બાળક વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તરફ મહુધા તાલુકાના સણાલી ગામમાં 6 માસના બાળકને ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળ્યા હોય, તેને હાલ નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જે નવા કેસ નોંધાયા છે તેમના સેમ્પલ લઈ અને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આ સિઝનમાં અગાઉ કપડવંજના દાસલવાડા અને ફુલજીની મુવાડી એમ બે ગામમાં ચાંદીપુરમના શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને તેમાં સપડાયેલા બાળકોને સારવાર ચાલી રહી છે, આ વચ્ચે નવા ત્રણ કેસ નોંધાયા અને આ ત્રણ કેસમાં 1ના મૃત્યુની પુષ્ટિ થતા હવે આરોગ્ય વિભાગની ઉંઘ હરામ થઈ ગઈ છે. બીજીતરફ જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને પણ સાવચેતી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.આ ઉપરાંત સર્વેની કામગીરી શરૂ કરી છે.

Most Popular

To Top