Charotar

ખેડા કેમ્પની શાળામાં ભૂલકા પાસે સફાઇ કરાવતાં રોષ

શિક્ષકોની જોહુકમી | સરકારમાંથી લાખો રૂપિયાનો પગાર લેતા શિક્ષક અને આચાર્યની ‘રાજાશાહી’ સામે રોષ

વિદ્યાર્થીઓને શાળાના સમય દરમિયાન અભ્યાસ કરાવવાના બદલે તેમના હાથ ઝાડુ પકડાવતા શિક્ષકોને ઘરભેગા કરવા માગણી

(પ્રતિનિધિ) ખેડા તા.19

ખેડા કેમ્પની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના હાથમાં પાઠ્ય પુસ્તકના બદલે ઝાડુ પકડાવી દેવામાં આવતા વાલીઓમાં રોષ ભડક્યો છે. સરકારમાંથી લાખો રૂપિયાનો પગાર લેતા શિક્ષકો સફાઇ કરવા વિદ્યાર્થીઓ પર જોહુકમી કરતાં હોવાની ફરિયાદ ઉઠી છે. આ નપાવટ શિક્ષક અને આચાર્યને તાત્કાલિક ઘરભેગા કરવા માગણી ઉઠી છે. આ ઉપરાંત શાળાની પોલ ખોલનાર વાલીને પોલીસ ફરિયાદની પણ ધમકી આપી હતી.

ખેડા કેમ્પની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ પાસે શિક્ષકો અને આચાર્ય જોહુકમી કરીને તેમની પાસે શાળામાં સાફસફાઈ કરાવતા હોવાની ફરિયાદ ઉઠી છે. ખેડા કેમ્પમાં સરકારી પ્રાથમિક શાળામાં બાળવાટિકાથી લઈને 8 ધોરણ સુધી બાળકો અભ્યાસ કરવા આવે છે.શાળામાં હાલ કુલ 458 બાળકોને 14 શિક્ષકો ભણાવે છે. પરંતુ શિક્ષકોની માત્ર પગાર ખાવાની દાનતથી શાળામાં અભ્યાસ ઓછો અને અન્ય બાબતોમાં વધુ આગળ હોવાની ફરિયાદો ઉઠી છે.

આ અંગે ગામના સ્થાનિક મેહુલભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, મારી બે દીકરી શાળામાં અભ્યાસ કરે છે. હું મારી બંને દીકરીઓને શાળામાં મુકવા આવ્યો ત્યારે મારી નજર સામે બાળકો શાળાની સફાઈ કરતા જોવા મળ્યા હતા. જેથી કરીને તુરંતજ મોબાઈલમાં વિડિઓ ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. સફાઈ કરતા બાળકોને આ બાબતે પૂછતાં જણાવ્યું કે, શિક્ષક દ્વારા સફા સફાઈ કરવાનું જ કહેવામાં આવે છે. આ બાબતે વિડીયો ઉતારનારા વાલી શાળાના શિક્ષકને આ બાબતે પૂછતાં મોબાઈલમાં વિડિઓ ચાલુ હોય કંઈ પણ બોલવા તૈયાર ન થતા તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં.

આ બાબતે શાળાના આચાર્ય અંગે પુછપરછ કરતાં તે બિમાર હોવાથી રજા પર હોવાનો ઉડાવ જવાબ આપ્યો હતો. જોકે, હાજર ઇન્ચાર્જ શિક્ષકને આ બાબતની જાણ કરતા તેઓ પણ શિક્ષકોનો બચાવ કરતા જણાવ્યું કે, કોઈ શિક્ષકે શાળામાં સફાઈ બાબતે કોઈ બાળકોને કીધું જ નથી. અમારી શાળામાં સફાઈ કામદાર રાખેલા જ છે.અને તે નિયમિત સાફ સફાઈ કરે જ છે.

Most Popular

To Top