Charotar

ખેડામાં VR અને SK DJએ કાનના પડદા ફાડી નાખે તેટલો અવાજ કરી હરિફાઈ કરી

DJ સંચાલકોને સરકારી નિયમોનો ભંગ મોંઘો પડ્યો

લગ્નેતર સિઝનમાં હવે DJ સંચાલકો બેકાબુ બનતા રોકવા કડક કાર્યવાહીની જરૂર

(પ્રતિનિધિ) નડિયાદ, તા.27

ખેડા શહેરમાં બે DJ સંચાલકો સામસામે આવી જતા ખૂબ ઉંચા અવાજમાં બંને વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી. આ સ્પર્ધા એ હદે પહોંચી ગઈ હતી કે, લોકોના કાનના પડદાને સીધી અસર થાય. જો કે, આટલે પણ ન રોકાયેલા DJ સંચાલકોથી ત્રસ્ત થઈ અંતે કન્યાના પિતાએ બંને સંચાલકો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.  તો હવે આ વચ્ચે જિલ્લા પ્રશાસન દ્વારા DJ સંચાલકો પર અંકુશ લાવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

ખેડા કેમ્પ જૂના ડીએસપી બંગલાની સામે સુરેશભાઈ શનાભાઈ વાઘેલાની દિકરીના રવિવારે લગ્ન હતા. તેમણે પોતાની દિકરીના લગ્નમાં VR પાવર DJ મંગાવ્યુ હતુ. તો સામા પક્ષે વર પક્ષ પણ SK DJ લઈને આવ્યા હતા. આ દરમિયાન સામૈયું થતું હતું તે વખતે સુરેશભાઈના પક્ષનું DJ તેમના ઘરે રાખેલ હતું. ત્યાર બાદ સામૈયા બાદ જાનૈયા તરફથી આવેલું DJ લગ્નમંડપ આગળ આવ્યું હતું અને સંચાલકોએ જોર જોરથી DJ વગાડવાનું ચાલુ કરી દીધું હતું. સામે દીકરી પક્ષના ડીજેના સંચાલકે પણ મોટે મોટેથી DJ વગાડવાનું શરૂ કરી દીધું હતું. આ લગ્નના મંડપમાં ઘોઘાટ થતા અહીંયાં નાસભાગ મચી ગઈ હતી. જો કે, દીકરીના પિતાએ આજીજી કરી હરીફાઈ ન કરવા બંને DJના સંચાલકોને જણાવ્યું હતું પણ બંને ન માનતા આ હરીફાઈ પર ઊતરી જતાં વાતાવરણ થોડા સમય માટે ગરમ થયું હતું. અંદાજે એક કલાક સુધી મોટેમોટેથી બંને DJ વગાડતા રહ્યા હતા. પ્રસંગ ન બગડે એ હેતુસર દીકરીના પિતાએ‌ ઘણી સમજાવટ કરી હતી પરંતુ આ બંને DJના સંચાલકો માન્યા નહીં. DJના આઇસર ઉપર તથા તેના બોનેટ પર ઘણા બધા લોકો બેઠા હતા. આ બંને DJ વાળાઓ સુરેશભાઈને કહેવા લાગેલા કે, કોની DJની સિસ્ટમ મજબૂત છે એ સાબિત કરવા અમારે હરીફાઇ કરવી જ પડશે. બન્ને DJ વાળાઓએ કાનના પડદા ફાટી જાય તથા DJ પાસેથી પસાર થઈએ તો ધ્રુજારી આવી જાય તેટલા મોટા અવાજે DJ વગાડ્યા હતા. આથી સુરેશભાઈને તુરંત પ્રસંગ પડતો મૂકી પોલીસ મથકે દોડી જવું પડ્યું હતું. સુરેશભાઈએ લગ્નપ્રસંગમાં પોતાના પક્ષ તરફથી બોલાવેલ ટુંડેલના VR પાવર DJઅને જાનૈયા પક્ષ તરફથી બોલાવામાં આવેલ SK DJ ખુમરવાડવાળા સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ તરફ જિલ્લા પ્રશાસન દ્વારા DJ સંચાલકો પર અંકુશ લાવવા માટે સરકારી નિયમોનુસાર જાહેરનામુ બહાર પાડવાની તાતી જરૂર છે. તેમજ પોલીસ પ્રશાસન આ જાહેરનામાની ચોક્કસાઈપૂર્વક અમલવારી સ્થાનિક કક્ષાએ કરાવે તે પણ જરૂરી છે.

Most Popular

To Top