Charotar

ખેડામાં SMCના દરોડામાં પકડાયેલા વિદેશી દારૂ કટીંગમાં પીઆઈ સસ્પેન્ડ

ખેડાના કનેરા નજીક ગોડાઉનમાં 64 લાખના દારૂના મામલે એક્શન

(પ્રતિનિધિ) નડિયાદ, તા.26

રાજ્ય પોલીસ વડા દ્વારા ખેડા ટાઉન પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. ખેડા ટાઉન મથકની હદમાં આવેલા કનેરા નજીકના એક ગોડાઉનમાંથી 64 લાખનો વિદેશી દારૂ કટીંગ થાય તે પહેલા ઝડપાયો હતો, જે મામલે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે.

ખેડા તાલુકાના કનેરા ગામ નજીક આવેલા પતરાના વિશાળ ગોડાઉનમાં પાંચ વાહનો મારફતે દારૂ કટીંગની પ્રવૃત્તિ ચાલતી હતી. જ્યાં સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે દરોડા પાડ્યા હતા. દરમિયાન એક સગીર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 8 આરોપીઓ હજુ ફરાર છે. પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું કે આ દારૂનો જથ્થો ભાવનગર અને અમદાવાદ મોકલવામાં આવતો હતો. વિજિલન્સ પોલીસે 64 લાખના વિદેશી દારૂ સહિત કુલ 1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, આ કેસ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જે બાદ ગતરોજ મોડી રાતે રાજ્ય પોલીસ વડા દ્વારા ખેડા ટાઉનના પોલીસ ઈન્સપેક્ટર એચ.વી. સિસારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે મતગણતરીના દિવસે થયેલા આ દરોડામાં PI સીસારાની ગંભીર બેદરકારી સામે આવી હતી, જેના કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે.

જો કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પી.આઈ. સીસારા તેમના રૂઆબ માટે જાણીતા હોવાની ચર્ચા છે. તેઓ કોઈ પણ પ્રકારે ખોટી બાબતો ચલાવી લેતા ન હોવાથી જિલ્લાભરના પોલીસ અધિકારીઓમાં તેમની સામે નારાજગી હોવાની પણ વાતો ચર્ચાઈ રહી છે. તેવા સમયે તેમનો ભોગ લેવાયો હોવાનું પણ ખુદ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યુ છે.

Most Popular

To Top