Charotar

ખેડામાં 4.60 કરોડનો ખર્ચે બનેલો રિવરફ્રન્ટ નર્કાગારમાં ફેરવાયો

ખેડાની પ્રજાને 4 વર્ષ પહેલા નયનરમ્ય રિવરફ્રન્ટ રૂપે મળેલી ભેટ વર્તમાન સમયમાં બિલકુલ બિનઉપયોગી 

ખેડા વાત્રક નદી કિનારે બનાવેલો નયનરમ્ય રિવરફ્રન્ટ પરનો રોડ ઉકરડા અને ભારે દુર્ગંધમાં ફેરવાયો

(પ્રતિનિધિ) ખેડા તા.30

સરકાર દ્વારા નદી કિનારા પાસે વિકાસ કરવા માટે કરોડો રૂપિયાના ફાળવીને પ્રજાને નયનરમ્ય રિવરફ્રન્ટ આપવાની યોજનાઓ અમલમા મૂકી છે.ત્યારે ખેડા શહેરના વાત્રક નદી કિનારાનો નયનરમ્ય નજારો જોતા સ્થાનિક નેતા અને અધિકારીઓની ફરજમા ગંભીર બેદરકારી સામે જોવા મળી છે.જેનાથી ખેડા નગરના પ્રજાજનો ભારે રોષે ભરાયા છે.

ખેડા શહેરના પૌરાણિક મહત્વ અને સરકારની પ્રજાભિમુખ વહીવટ દુરદર્શીતાથી કરોડો રૂપિયાની ફાળવણી કરી શહેર અને નદી કાંઠાને રમણીય બનાવવા માટે સરકારે અંદાજીત 4 કરોડ 60 લાખ ઉપરાંતની નાણાકીય જોગવાઈ કરી હતી.તત્કાલીન સમયે  પાલિકામા ચૂંટાયેલા નગર સેવકો કામ ની શરૂઆત કરાવી પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો.4 વર્ષ પહેલા જ પ્રજાને એક નયનરમ્ય રિવરફ્રન્ટ રોડની ભેટ મળી હતી.

હાલમાં રિવરફ્રન્ટની હાલત જોતા સરકારના ભરોસાનું નિકંદન નીકળતું નજરે જોવા મળી રહ્યું છે. વાત્રક નદી કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે ભારે ખર્ચ કરવામાં આવ્યો હતો. આજે રિવરફ્રન્ટ ભારે દુર્ગંધ અને ઉકરડામાં ફેરવાયો છે.જેનાથી સ્થાનિક પ્રજાને ત્યાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે.

ચીફ ઓફિસર વગર ખેડા નગર પ્રત્યેની જવાબદારી સંભાળવાની કે સમજવાની કોઈની તૈયારી નથી

ખેડા પાલિકામાં હાલમાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર નથી.જેથી કરીને ચીફ ઓફિસર વગર ખેડા નગર પ્રત્યેની જવાબદારી સંભાળવાની કે સમજવાની કોઈની તૈયારી નથી.સરકાર ની આબરૂ જાય તો પણ પ્રામાણિક ફરજ બજાવવા રુવાડું કોઈ ફરકતું નથી.નદી કિનારાના દબાણો અને જાનવરો ના મળ મૂત્રના કારણે નદી કિનારા ઉપર ફરવાની વાત તો દૂર નદી તરફ જતા લોકો રોગચાળા અને રસ્તા ઉપરના ગંદા કાદવ કીચડથી અકસ્માતના ડર થી ભયભીત છૅ.આ માત્ર વરસાદી ઋતુ મા નહિ બારેમાસ આજ સ્થિતિ જોવા મળી રહી છૅ.

બેદરકાર અધિકારીઓ અને કર્મચારીઓને ખેડામાંથી અન્યત્ર ખસેડવા ઉગ્ર માંગણી 

ખેડાના વહીવટદાર અને ચીફ ઓફિસર સહીત સેનેટરી કર્મચારીને આ રિવરફ્રન્ટની કોઈ ચિંતા નથી.ખેડા શહેર ની જનતા માટે બનાવેલ રિવર ફ્રન્ટ આજે રિવરફ્રન્ટ નથી રહ્યો.જે જિલ્લા વહીવટી તંત્રએ જાણી લેવું જોઈએ. રિવરફ્રન્ટની આવી હાલત સામે કોઈ કામગીરી નહી કરતા આવા બેદરકાર અધિકારી અને કર્મચારીની જગ્યા ખેડામાં ન હોવી જોઈએ તેવી માંગણી સાથે નગરજનોમા વ્યાપક રોષ છૅ.

Most Popular

To Top