Charotar

ખેડાના વડાલા ગામમાં હોજ ફાટતા 3 બાળકીના મોત

એક જ પરિવારની ત્રણ બાળકી પર હોજનો કાટમાળ પડ્યો.

ખેડા જિલ્લામાં ગળતેશ્વરના બનાવ બાદ ખેડાના વડાલા ગામે ત્રણના મોતની કરૂણાંતિકા સર્જાઇ હતી. વડાલા ગામમાં પાણીનો હોજ ફાટતાં નજીકમાં રમી રહેલી ત્રણ બાળકી પર કાટમાળ પડ્યો હતો. જેમાં એક જ પરિવારની ત્રણ બાળકીના મોત નિપજ્યાં હતાં. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડાના વડાલા ગામના ખેતરમાં પાણીના બોરનો હોજ ધડાકાભેર ફાટ્યો હતો. આ હોજ પાટતા તોતિંગ દિવાલના કાટમાળ નીચે ત્રણ બાળકી દટાઇ જતાં કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. વડાલા ગામના એક જ પરિવારની ત્રણ બાળક હોજ નજીક રમી રહી હતી. તે દરમિયાન આ દૂર્ઘટના સર્જાઇ હતી.  ખેડા તાલુકાના વડાલા ગામના દરબાર ફળિયામાં સુર્યજીતસિહ ધનવંતસિહ પરમાર રહે છે. તેમના પિતા ધનવંતસિહનુ ખેતર આ ગામની સીમમાં આવેલું છે. ગતરોજ આ સુર્યજીતસિંહના પરિવારો પોતાના સંતાનો સાથે અહીંયા પોતાના ખેતરમાં આવ્યા હતા. સુર્યજીતસિંહની પુત્રી પરમેશ્વરીબા (ઉ.વ.7), ભત્રીજી મહેશ્વરીબા (ઉ.વ.9) અને આરાધ્યાબા (ઉ.વ.4) આ તમામ આ ખેતરમાં આવેલા બોરના હોજ પાસે રમતા હતા. તે દરમિયાન અચાનક જ પાણી‌ ભરેલા હોજની દીવાલ તૂટી હતી.

આથી નજીકમાં રમી રહેલી ઉપરોક્ત ત્રણેય બાળકીઓ પાણી સાથે દીવાલના કાટમાળ નીચે દબાઈ હતી. જેના કારણે શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેય બાળકીઓનુ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે સુર્યજીતસિંહ ધનવંતસિહ પરમારે ખેડા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  આ ત્રણેય બાળકીઓ એક જ પરિવારની હોવાથી પરિવારમાં માતમ છવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ – ખેડા જિલ્લામાં સપ્તાહ દરમિયાન ત્રીજી ઘટના બની છે. આણંદના ખાનપુર ખાતે ડૂબી જતાં બેના મોત બાદ ગળતેશ્વરમાં ડૂબી જતાં અમદાવાદના 3 મિત્રના મોત નિપજ્યાં હતાં. હજુ આ ઘટનોની સાહી સુકાઇ નથી ત્યાં વડાલા ગામમાં હોજની દિવાલ ફાટતા એક જ પરિવારની ત્રણ બાળકીના મોત નિપજ્યાં હતાં.

Most Popular

To Top