ખેડા પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડ્યો
પોલીસે 27 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ કબજે કરી 16 શખ્સ સામે ગુનો નોંધ્યો
(પ્રતિનિધિ) ખેડા તા.19
ખેડાના કનેરા ગામની સીમમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી એક કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે 16 જેટલી વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.
રાજ્યના સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે, ખેડા જિલ્લાના કનેરા ગામની સીમમાં મનિષ અશોક શર્મા (રહે. નારોલ, અમદાવાદ, મુળ રહે. હરિયાણા) તથા ધેવારામ લાબુરામ દેવાસી (રહે. રાજસ્થાન)એ એક ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. આ બાતમી આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે ટીમ બનાવી 18મીના રોજ બપોરના દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કનેરા ગામની સીમમાં નામ વગરનું ગોડાઉન મળી આવ્યું હતું. આ ગોડાઉનનું શટર ઉંચુ કરી જોતા કેટલાક માણસો તથા વાહનો જોવા મળ્યાં હતાં. આ શખ્સો પોલીસને જોઇ ચોંકી ગયા હતા અને ભાગદોડ કરવા લાગ્યાં હતાં. જોકે, કોર્ડન કરી તમામને પકડી પુછપરછ કરતાં તે વિકાસ પરમાનંદ યાદવ (રહે. રાજસ્થાન), ધેવારામ લાબુરામ દેવાસી (રહે.રાજસ્થાન), દિનેશ મદન શર્મા (રહે. રાજસ્થાન), સુરેશ ઇશ્વર જાટ (રહે. રાજસ્થાન), વિજય માતુરામ મેધવાલ, શોરભ રાજેન્દ્રસિંગ મેઘવાલ, યોગેશ દેલીપ મેઘવાલ, જીતેન્દ્ર માનસિંગ મેઘવાલ હોવાનું જણાવ્યું હતું. આ તમામની અટક કર્યા બાદ પોલીસે મિનિટ્રકમાં તપાસ કરતાં વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યાં હતાં. આ ઉપરાંત સ્થળ પર બે પીકઅપ ગાડી, બે કાર પણ મળી આવી હતી. આમ, હાજર તમામ વિદેશી દારૂની હેરફેર કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ખેડા પોલીસને સાથે રાખી ગણતરી કરતાં જુદા જુદા બ્રાન્ડની 27,948 બોટલ કિંમત રૂ.64,75,008નો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પુછપરછ કરતાં ગોડાઉનના માલિક વિનોદ બળદેવભાઈ પટેલ (રહે. અમદાવાદ)એ મનીષ અશોક શર્મા (રહે. નારોલ)ને ભાડેથી આપ્યું હતું. આ કેસમાં પોલીસે વિદેશી દારૂ, વાહન, રોકડ, મોબાઇલ સહિત કુલ રૂ.1,04,70,008નો મુદ્દામાલ કબજે કરી કુલ 16 વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
