Charotar

ખેડાના કઠવાડા ગામમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગના કોલ સેન્ટરનો પર્દાફાશ

કઠવાડા ગામમાં ભાડાના મકાનમાં ચાલતાં કોલ સેન્ટર પર લોકલ ક્રાઈમ બ્રાંચ ત્રાટકી

માર્કેટના એડવાઈઝર એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી મોટી સંખ્યામાં નાણાં મેળવી છેતરપિંડી આચરતાં હતાં

(પ્રતિનિધિ) નડિયાદ, તા.20

ખેડા લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ખેડાના કઠવાડા ગામમાં દરોડો પાડી લાયસન્સ વગર ધમધમી રહેલા ડબ્બા ટ્રેડીંગના કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. ગામના ભાડાના મકાનમાં ચાલતા આ કોલ સેન્ટરમાં ચાર શખ્સોએ માર્કેટના એડવાઇઝર એજન્ટ હોવાની ઓળખ આપી મોટી સંખ્યામાં છેતરપિંડી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ બનાવમાં ચાર શખ્સોને ઝડપી લેવાયા છે અને તેમની પાસેથી 13 મોબાઇલ, એક એક્ટીવા સહિત 96 હજાર 200નો મુદ્દામાલ કબજે કરી તપાસ તેજ કરી છે.

ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો ગતરોજ ખેડા તાલુકામાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે,  ખેડાના કઠવાડા ગામે ભાડાના મકાનમાં અમૂક તત્વો લાયસન્સ વગર ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. આથી પોલીસે આ સ્થળે દોડી આવી કઠવાડા ગામમાં પ્રાથમિક શાળા સામેના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંયા દરોડો પાડતા મહત્વના પુરાવાઓ હાથે લાગ્યા હતા. જેમાં 4 ઈસમો કેતન ઉર્ફે લાલો ભીખાજી ઠાકોર (રહે.વેજલપુર, અમદાવાદ), સાહિલ લલિત સોલંકી (રહે.વેજલપુર, અમદાવાદ), ધવલ નરેશ જાદવ (રહે.મલેકપુર, મહેસાણા) નીકુલ ચંદુજી ઠાકોર (રહે.મલેકપુર, મહેસાણા)નો સમાવેશ થાય છે. આ તમામ ઈસમો પોતે સ્ટોક માર્કેટના એડવાઈઝર એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી ગ્રાહકોને ફોન કરી શેર બજારમાં વધુ કમાણી કરી આપવાની ટિપ્સ આપી ઠગાઈ કરવાના આશયથી ઓનલાઇન રૂપિયા મેળવી છેતરપિંડી આચરતા હોવાનું ખુલ્યું હતું. એક અંશે મોટી રકમ પડાવી હોવાની પોલીસે શક્યતા દર્શાવી છે. જે દિશામાં પોલીસે આ ચારેય શખ્સો સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 13 નંગ મોબાઇલ, એક એક્ટીવા સહિત 96 હજાર 200નો મુદ્દામાલ કબજે કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top