પ્રતિનિધિ વડોદરા તા. 11
એક તરફ વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા જ વડોદરા શહેરમાં ગંદકી ફેલાવતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ વડોદરા શહેર સ્વચ્છતા સર્વેક્ષણના ક્રમાંકમાં ઘણું પાછું ધકેલાય છે. તેની પાછળનું કારણ છે મહાનગરપાલિકાના સોલિs વેસ્ટ તંત્રની બેદરકારી.
વડોદરા કોર્પોરેશન માં કામ કરતા સફાઈ કર્મચારીઓ રોડ રસ્તાઓ સાફ કરવાની કામગીરી કરે છે અને બીજી બાજુ મહાનગરપાલિકાની કચરો એકત્ર કરતી ગાડી શહેરના રોડ રસ્તા ઉપર ગંદકી ફેલાવતી નજરે પડે છે તે કેટલું યોગ્ય કહેવાય? મુંજમહુડા કચરા કલેક્શન સાઈટ પરથી એક ડમ્પર કચરો ભરીને જામ્બુવા સ્થિત ડમ્પીંગ સાઈડ પર જવા રવાના થાય છે તે સમયે સમગ્ર રસ્તા પર તે ડમ્પર માંથી કચરો પડતો જોવા મળ્યો હતો. જાગૃત નાગરિક દ્વારા ડમ્પર દ્વારા ફેલાતી ગંદકી નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હતો.
વડોદરા શહેરનો દરેક નાગરિક ઈચ્છા ધરાવે છે કે વડોદરા શહેર સ્વચ્છ રહે. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જ વડોદરાને સ્વચ્છ નથી રાખવા માગતું તેવા આ દ્રશ્યો સામે આવ્યા હતા. ડમ્પર માંથી રસ્તા પર પડેલો કચરો એક સફાઈ કર્મચારી દ્વારા સાફ કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જો વડોદરા શહેર સ્વચ્છ ન થતું હોય તે કેટલું યોગ્ય ?