Vadodara

ખુદ ભાજપના મહિલા કાઉન્સિલરે બે પુરુષ કાઉન્સિલરો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા, તો સ્થાયી બરખાસ્ત કરો


ભાજપના કાઉન્સિલરો પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ

સ્થાયી સમિતિ બરખાસ્ત કરવાની કોંગ્રેસની માંગ, મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજોના નિર્માણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ કામકાજમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કોંગ્રેસે લગાવેલા આક્ષેપો મુજબ ભાજપના એક મહિલા કાઉન્સિલરે જ બે પુરુષ કાઉન્સિલરો પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. કોંગ્રેસે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી અને પાલિકાની સ્થાયી સમિતિને તાત્કાલિક બરખાસ્ત કરવાની માગણી કરી છે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સમા, ભાયલી, માંજલપુર, ફતેગંજ તથા અન્ય વિસ્તારોમાં બ્રિજોના કામકાજ માટે મોટો બજેટ ફાળવવામાં આવ્યા છે. કોંગ્રેસે આ કામકાજમાં મોટી ગેરરીતિઓ હોવાનો દાવો કર્યો છે.



કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જનતા દ્વારા ચૂકવવામાં આવતા મિલ્કત વેરાના કરોડો રૂપિયાનો દુરુપયોગ કરી, ઠેકેદારો અને પાલિકા અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આ મામલે ચોંકાવનારી બાબત એ છે કે ભ્રષ્ટાચારના આક્ષેપ ભાજપના જ એક મહિલા કાઉન્સિલરે કરેલા છે. એમણે ભાજપના બે પુરુષ કાઉન્સિલરો પર કરોડો રૂપિયાની ગોટાળો કરવા અંગે ગંભીર આક્ષેપો મૂક્યા છે. જો સત્તાધારી પક્ષના જ સભ્યો આ બાબતનો ખુલાસો કરી રહ્યા છે, તો આ મામલો વધુ ગંભીર બને છે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે.



કોંગ્રેસે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ નેતાઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને માગણી કરી છે કે, સ્થાયી સમિતિને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે. ભાજપ દ્વારા સમગ્ર પ્રકરણમાં સાચી માહિતી જાહેર કરવામાં આવે. બ્રિજોના કામકાજ માટે સ્થાનિક રહીશોની સંમતિ બાદ જ યોજનાનો અમલ કરવામાં આવે. ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ વડોદરાની જનતામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કરોડો રૂપિયાનો દુરુપયોગ માત્ર બ્રિજોમાં થઈ રહ્યો હોય, તો શહેરના અન્ય વિકાસકામોમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાની શકયતા કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top