વડોદરા શહેરમાં સ્મશાન અંગે તાજેતરમાં થયેલા વિવાદ બાદ આજે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ ખાસવાડી સ્મશાનની અચાનક મુલાકાત લીધી હતી. સ્થળ પર પહોંચીને તેમણે સમગ્ર વ્યવસ્થા નિહાળી હતી અને કેટલીક અવ્યવસ્થા બાબતે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. જ્યાં અંતિમક્રિયા માટે લાકડાં મુકાય છે તે શેડના પતરાંમાં કાણાં પડી જતાં વરસાદી પાણી ટપકતું હોવાનું બહાર આવ્યું હતું. પરિણામે લાકડાં ભીંજાઈ જતા હોવાનું જાણવા મળતાં ચેરમેને સ્થળ પર હાજર અધિકારીઓને તાત્કાલિક નવો શેડ બનાવવાની સૂચના આપી હતી. ડો. શીતલ મિસ્ત્રીએ અંતિમક્રિયા માટે આવેલા મૃતકના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી. તેઓએ પરિવાજનો પાસેથી સ્મશાનની હાલની વ્યવસ્થાને લઈને રજૂઆતો સાંભળી અને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચનાઓ આપી. વિશેષ બાબત એ છે કે શહેરના કેટલાક સ્મશાનો હજુ પણ મહાનગરપાલિકાને સોંપાયા નથી. ઉપરાંત, કેટલીક સંસ્થાઓ, જે સ્મશાન સંચાલિત કરી રહી છે, તેમનો મહાનગરપાલિકા સાથે હજી સુધી MOU પણ થયો નથી. જેના કારણે વ્યવસ્થામાં તંત્રનો સીધો દખલ ન હોવાનો પ્રશ્ન ઊભો થયો છે.