Charotar

ખાનપુર તાલુકાના આંગણવાડી બહેનો કલેશ્વરીમાં ફસાયાં

કલેશ્વરીમાં રાત્રે 7 વાગ્યા સુધી મીટિંગ ચાલતા મુખ્ય ગેટ પર તાળાં વાગ્યા

સાંજે 6 વાગ્યે સ્મારક બંધ થતું હોવા છતાં પ્રોગ્રામ ઓફિસરે મીટિંગ ચાલુ રાખી

સંતરામપુર.
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આયોજિત એક મીટિંગ વિવાદનું કારણ બની છે. કલેશ્વરી સ્મારક ખાતે મોડી સાંજ સુધી ચાલેલી આ મીટિંગને કારણે મહિલા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નિર્ધારિત સમય મર્યાદા બાદ પણ મીટિંગ ચાલુ રખાતા સ્મારકના ગેટ બંધ થઈ ગયા હતા, જેના કારણે બહેનો અંદર જ ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે.
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં 17મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની એક અગત્યની મીટિંગ બોલાવવામાં આવી હતી. બપોરે 12:00 વાગ્યે ફોન કરીને તમામ કર્મચારીઓને બપોરે 2:00 વાગ્યે કલેશ્વરી ખાતે ફરજિયાત હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને માન આપીને તમામ બહેનો સમયસર હાજર રહી હતી, પરંતુ મીટિંગનો અંત છેક રાત્રે 7:10 વાગ્યે આવતા સ્થિતિ વણસી હતી.
નોંધનીય છે કે, કલેશ્વરી સ્મારક સામાન્ય રીતે સાંજે 6:00 વાગ્યે મુલાકાતીઓ માટે બંધ થઈ જાય છે. સ્થળ પરના ચોકીદારે આયોજક પ્રોગ્રામ ઓફિસરને સમય મર્યાદા અંગે જાણ કરી ગેટ બંધ કરવા જણાવ્યું હતું. તેમ છતાં, પ્રોગ્રામ ઓફિસર દ્વારા મીટિંગ ચાલુ રાખવામાં આવી હતી અને સમયસર પૂર્ણ કરવામાં આવી નહોતી. પરિણામે, ચોકીદાર ગેટને તાળું મારીને ઘરે જતો રહ્યો હતો.
મીટિંગ પૂરી થયા બાદ જ્યારે બહેનો બહાર નીકળવા ગઈ ત્યારે મુખ્ય ગેટ બંધ હોવાથી તેઓ ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અંધારામાં મહિલા કર્મચારીઓની સુરક્ષા અને વહીવટી સંકલન સામે સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર બનાવની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

Most Popular

To Top