વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શિલાન્યાસ
વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મહત્વપૂર્ણ પગલું ભરીને ખાનપુર-અંકોડિયા વિસ્તારમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સના નિર્માણની શરૂઆત કરી છે. રૂા. 73 કરોડના ખર્ચથી આ વિશાળ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
વુડાએ ખાનપુર-અંકોડિયા ટીપી સ્કીમ નંબર–2 હેઠળના ત્રણ પ્લોટમાં કુલ 1,48,088 ચો.ફુટ વિસ્તારમાં આ કોમ્પ્લેક્સ ઊભૂ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરના આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટીપી સ્કીમો હેઠળ ઝડપી ડેવલપમેન્ટ થતાં નવા રહેણાંક વિસ્તારો, બંગલોઝ અને ઊંચી કિંમતના ફ્લેટોના નિર્માણ સાથે વસવાટ કરનાર વસ્તી વધી રહી છે. રમતગમતની સુવિધાનો અભાવ અનુભવી રહેલા સ્થાનિક રહીશોની લાંબા ગાળાની માંગને પૂરી કરવા વુડાએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આઉટડોર તેમજ ઇન્ડોર રમતો માટે અલગ વિભાગો રાખવામાં આવ્યા છે. તેમાં ટેનિસ કોર્ટ, બિલિયર્ડ્સ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન હોલ, ટેબલ ટેનિસ, સ્ક્વેશ કોર્ટ, કેરમ, ચેસ અને યોગા માટેની વિશેષ સુવિધાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નાગરિકોને સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઓપન પાર્ટી પ્લોટ પણ ઉપલબ્ધ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કોમ્પ્લેક્સનું ડિઝાઇનિંગ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના ધારાધોરણો મુજબ કરવામાં આવ્યું છે, જેથી ભાવિમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ પણ અહીં યોજી શકાય. શહેરના વિકાસના નવા અધ્યાયરૂપ આ પ્રોજેક્ટ વડોદરા રમતગમત માળખાને વધુ મજબૂત બનાવશે.